લોકભાષા-ભુજ :
કચ્છના માર્ગો પર ગતિભેર દોડતા વાહનો પર પ્રસાશનનું કોઇ અનુસાશન ન હોવાથી રોજે રોજ હાઇવે માર્ગો પર લોહીરેડાઇ રહ્યું છે. તેવામાં અબડાસા તાલુકાના ડુમરા પાસે પૂરઝડપે આવતી કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો, ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે સામેથી આવતી વેગનઆર કારના ચાલકે અચાનક વળાંક લેતાં ધડકા સાથે કાર અથડાઇ જતાં ભુજના બે યુવાનનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રે વિંઝાણ ગામે રહેતા પરેશ આરબ કોલી (ઉ.વ.20) નામનો યુવાન નલિયા માંડવી રોડ પર જઇ રહ્યો હતો. ત્યારે રાત્રીના નવ વાગ્યે આઇ-20 કારના ચાલકે બાઇકને ટકકર મારતાં ગંભીર ઇજાઓ થવાને કારણે પરેશનું મોત નીપજ્યું હતું. કાર ચાલક સામે કોઠારા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરી છે. તો, બીજીતરફ ભુજના કેમ્પ એરિયામાં રહેતા અમન અબ્દુલસતાર ચાકી (ઉ.વ.21) અને મુનીર ગુલ્જાર સુમરા (ઉ.વ.28) બન્ને જણાઓ ગુરૂવારે સવારે બાઇકથી માંડવી જઇ રહ્યા હતા. ત્યારે ખત્રી તળાવ પાસે સામેથી આવતી વેગન આર કારના ચાલકે અચાનક વળાંકો લેતાં કાર સાથે બાઇક અથડાઇ હતી. જેમાં ભુજના બન્ને યુવાનોને ઇજા પહોંચતાં સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

