લોકભાષા-ભુજ :
ભારત સરકારના “મિશન શક્તિ” યોજના હેઠળ પેટા યોજનાઓ અંતર્ગત “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કિશોરીઓ/મહિલાઓના શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો તેમજ સ્વાસ્થ્ય સબંધિત બાબતો આવરી લેવામાં આવતી હોય છે. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીના નેજા હેઠળ ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારમાં ગણેશપર ગામે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” સપ્તાહની ઉજવણી તથા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે એક નવતર પહેલના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણેશપર ગામે DHEWની ટીમ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામની ૦ થી ૬ મહિના સુધીની કુલ ૭ નવજાત દીકરીઓને “કુમકુમ તિલક” વડે “દીકરી પૂજન” અને દરેક દીકરીઓને “દીકરી વધામણા કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વ્હાલી દીકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રભાત ફેરીમાં નવતર પહેલના ભાગરૂપે DMC દ્વારા તૈયાર કરેલી “દીકરી પ્રભાતિયા”ના ગાયન અને વાજિંત્રો સાથે ગામની મુખ્ય શેરીઓમાં પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશપર ગામના પ્રથમ નાગરિક સરપંચ ભીમાભાઇ આહીર, પંચાયતના સદસ્ય, આંગણવાડી વર્કર બહેન, આશાવર્કર બહેન તથા ગામની દીકરીઓ અને કિશોરીઓ જોડાઇ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન DHEW ટીમના DMC ફોરમબેન વ્યાસ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ ભરતભાઈ સોલંકી, SFL પુજાબેન પરમાર અને DEO ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.


