લોકભાષા-ગાંધીધામ :
કંડલાની બાપટ બઝાર સહિત સ્લમ વિસ્તારમાં સવારથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો દિવસ દરમિયાન અસહ્ય ગરમીમા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાતા વીજ પુરવઠો બંધ થયો હતો જો કે રાત્રે વીજ પુરવઠો કાર્યાન્વિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
કંડલામાં મંગળવારે સવારથી બાપટ બજાર સહિત સ્લમ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો જેના કારણે વેપારીઓ અને આ વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓને ભારે પરેશાની વેઠવી પડી હતી એક તરફ અસહ્ય ગરમી અને ઉકરાટ વચ્ચે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે પીજીવીસીએલના નિંભર તંત્રને કારણે આ વિસ્તારમાં લોકોને ઉકરાટ અને બફાર વચ્ચે દિવસ પસાર કરવો પડ્યો હતો. જોકે રાત્રિના સમયે વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત થતાં લોકોએ રાહત અનુભવી હતી.
આ અંગેની મળતી વિગતો મુજબ કંડલાના અંદાજે અડધા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો સ્થાનિક લોકો દ્વારા આક્રોશ પુર્વક જણાવ્યું હતું કે સવારથી બે ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાવાના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો જે અંગે રજૂઆત કરવા છતાં પણ પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી વારંવારની રજૂઆત બાદ પીજીવીસીએલના તંત્ર વાહકો દ્વારા ટ્રાન્સફોર્મરની ક્ષતિ દૂર કરતાં રાત્રિના સમયે વીજ પુરવઠો કાર્યાન્વિત થયો હતો જો કે દિવસ દરમિયાન આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

