લોકભાષા-ભુજ :
ગત 6 જાન્યુઆરીના વહેલી પરોઠે કંઢેરાઇ ગામે વાડીના બોરવેલમાં પડીને મૃત હાલતમાં મળી આવેલી ખેત મજુર યુવતીએ ઘટના પહેલા રાત્રે તેના ભાવી પતિ સાથે વાત કરી હતી. પધ્ધર પોલીસે મૃતક યુવતીના પતિનું નિવેદન લીધુ હતું. જેમાં ઇન્દ્રા અને તેના ભાવી પતિ વચ્ચે કોઇ ઝઘડો ન થયો હોવાનું સામે આવતાં યુવતીના મોત પાછળનું રહશ્ય વધુ ઘેરૂ બન્યું છે. ભાવી પતિ સાથે કોઇ અણબનાવ કે તકરાર ન થઇ હોય તો, ઇન્દ્રાએ આવું પગલું શા માટે ભરવું પડ્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. તો, અન્ય એક શંકાસ્પદ શખ્સની ભૂમિકા હોવાના અનુમાન સાથે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
મુળ રાજસ્થાનના પ્રતાપગઢની અને માતા-પિતા વિહોણી ઇન્દ્રા કાનજીભાઇ મીણા (ઉ.વ.22) નામની યુવતી ભુજ તાલુકાના કંઢેરાઇ ગામની વાડીમાં રહીને કાકાઇ ભાઇ લાલજી સાથે કામ કરતી હતી. હતભાગીના છ માસ પહેલા રાજસ્થાનના ડુંગરપુર ગામના યુવક સાથે સગપણ થયા હતા. દરમિયાન 5 જાન્યુઆરી રવિવારની રાત્રે ઇન્દ્રાએ તેના ભાવી પતિ સાથે ફોનમાં વાત કરી હતી. અને સોમવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં વાડીમાં આવેલા 540 ફુટ ઉંડા બોરવેલમાં પડી ગઇ હતી. યુવતીને બચાવવા સમગ્ર તંત્ર રાતભર જહેમત ઉઠાવ્યા બાદ 34 કલાક પછી મૃત હાલતમાં ઇન્દ્રાનો દેહ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવતીનું અકસ્માતે પડી જવાને કારણે કે, પડતું મુકીને આપઘાત કર્યો છે. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, મૃતદેહને પીએમ માટે જામનગર મોકલાવાયો હતો. જેનો રીપોર્ટ હજુ આવ્યો નથી પોલીસે દ્વારા મૃતકના પરિવારજનો અને સગાસબંધીઓ સહિતના નિવેદનો લેવાયા હતા. મૃતકના ભાવી પતિનું પણ પોલીસે નિવેદન લીધી છે. જેમાં બન્ને વચ્ચે કોઇ ઝઘડો થયો ન હોવાનું સામે આવ્યું છે. તો, આ કેસમાં એક યુવકનું નામ સામે રહ્યું છે. ત્યારે પોલીસ એ શંકાસ્પદ યુવકને શોધમાં તપાસ ચલાવી રહી છે.

