લોકભાષા-ભુજ :
ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે રંગેચંગે આજરોજ પ્રારંભ કરાયો હતો. પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. જેની ઝલક ટુરીસ્ટોના મન મોહી લેશે
નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ ધોરડોમાં રણોત્સવનો આરંભ થાય છે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગે દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજથી ધોરડો રણઉત્સવનો આરંભ થયો છે જોકે આજથી માત્ર ટેન્ટસિટી શરૂ થઈ રહી છે અન્ય સુવિધાઓ હવે ઉભી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફટ બજાર આગામી 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.
આજથી ધોરડોમાં રણોત્સવનો આરંભ થયો છે ધોરડોમાં સફેદ રણમાં જવા માટે પ્રવાસી પાસેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોકન ફી લેવામાં આવે છે.જેમાં બીએસએફ ચેકપોસ્ટ પહેલા ટિકિટ કાઉન્ટર પરથી પરમિટ લેવાની હોય છે એક વ્યક્તિ દીઠ રૂ.100 ફી લેવામાં આવે છે ઉપરાંત વાહન માટે તો ભીરંડિયારા પાસે જ ફી ભરવાની હોય છે. પ્રવાસીઓનો પ્રવાહ હોય ત્યારે ટિકિટ કાઉન્ટર પર ભીડ થાય છે જે ટાળવા આ વખતે નવા 4 કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ પાસેથી મેળવાતી આ પરમીટ ફીની આવકમાથી સ્થાનિકે તંત્ર દ્વારા વિવિધ સુવિધા ઉભી કરવાના કાર્યો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ અહીં વોલ્વો બસ શરૂ કરવાની પણ વિચારણા છે એ વચ્ચે ભુજથી ધોરડો સુધી સરકારી એસટી દોડાવવાનું પણ આયોજન છે દરમિયાન બીએસએફ ચેકપોસ્ટથી વોચ ટાવર સુધી 2 કિલોમીટરના માર્ગ પર ઉટગાડી ચાલે છે તેઓનો રસ્તો અલગ બનાવવાની પણ વાત છે જોકે આ તમામ બાબતોનું અમલીકરણ હવે થશે.
ખુદ પ્રવાસન વિભાગના કહેવા પ્રમાણે ગત વર્ષ 2023-24 માં 7.42 લાખ પ્રવાસીઓ ધોરડો રણોત્સવ જોવા આવ્યા હતા જેમાંથી 4.26 લાખ પ્રવાસીઓ રાત્રીના રોકાયા હતા તે પૂર્વે વર્ષ 2022-23 માં કુલ 3.45 લાખ પ્રવાસીની સંખ્યા નોંધાઇ હતી જેમાં રાત્રીનો નજારો 1.06 લાખ પ્રવાસીએ જ માણ્યો હતો.


