લોકભાષા-ગાંધીધામ:
કચ્છ અને અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતાં, પ્રદેશના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. આ આધુનિક અને ઝડપી રેલ સેવા કચ્છના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવી વંદે ભારત મેટ્રો ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ દોડશે, જે પ્રવાસીઓને સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે
ભુજથી અમદાવાદ જતી ટ્રેન નંબર 94802 દરરોજ સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે (રવિવાર સિવાય). જ્યારે અમદાવાદથી ભુજ જતી ટ્રેન નંબર 94801 સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:30 વાગ્યે ભુજ પહોંચશે (શનિવાર સિવાય). આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર રોકાણ કરશે.
આ માટે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી મહેશ પૂજ અને માનદ મંત્રી શ્રી મહેશ તિર્થાણીએ એક સંયુક્ત નિવેદન માં જણાવેલ કે, આ નવી સેવા માટે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ચેમ્બરના ઝેડઆરયુસીસી અને ડીઆરયુસીસી સભ્યો બચુભાઈ આહીર, રાકેશ જૈન અને પારસમલ નહાટાના પ્રયાસો અને રજૂઆતોની પણ સરાહના કરી છે.
વધુમાં તેઓએ જણાવેલ કે, આ નવી સેવા કચ્છના વ્યાપારીઓ, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને આરોગ્ય સેવાઓ મેળવવા ઇચ્છતા નાગરિકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. તેઓ હવે એક જ દિવસમાં અમદાવાદ જઈને પોતાનાં કાર્યો પૂર્ણ કરી પરત આવી શકશે. આ ઉપરાંત, દેશભરના પ્રવાસીઓને કચ્છની મુલાકાત લેવા માટે વધુ સારી કનેક્ટિવિટી મળશે, જે પ્રદેશના પર્યટન ક્ષેત્રને પણ વેગ આપશે.
આ નવી વંદે ભારત મેટ્રો ટ્રેન સેવા કચ્છના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી બનશે. તે સલામત, આરામદાયક અને ઝડપી મુસાફરીની સુવિધા પૂરી પાડશે, જે પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપશે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી આ નવી સેવાને આવકારે છે અને તેના સફળ સંચાલન માટે શુભેચ્છાઓ પાઠવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાના ઇલેક્શન પૂર્વે જ રેલ્વે મંત્રીની કચ્છ મુલાકાત દરમ્યાન જ, ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત એક સમારોહ દરમ્યાન રખાયેલ વિવિધ માંગોમાં મુખ્યત્વે એવી આ વંદે ભારત ટ્રેન કચ્છને ફાળવવા ભારપૂર્વક રજૂઆત કરાયેલ અને ત્યારેજ આ બાબતે ખાતરી આપવામાં આવેલ જે માંગ આજે સાકાર થવા જઈ રહી છે તે માટે ચેમ્બર આભાર વ્યક્ત કરે છે, તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ હતું.


