લોકભાષા-ભુજ :
શાળાઓ શરૂ થવાની હતી ત્યારે સરકારે આરટીઓ વિભાગને આદેશ આપતા સ્કૂલ વાહનોનું મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે અઠવાડિયા-દશ દિવસ સુધી ચેકિંગના નામે નાટક બાદ હવે આ તમામ તપાસો બંધ કરી દેવામાં આવી છે જાણે તમામ સ્કૂલ વાહન ચાલકો નિયમો પાળતા થઈ ગયા હોય તેમ આરટીઓએ મનોમન માની લીધું છે.
શાળાઓ શરૂ થઈ ત્યારે ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને અમુક સ્કૂલ વાહન ચાલકોને દંડ આપવામાં આવ્યો હતો જે બાદ વિરોધ થયો અને હડતાલ પણ થઈ હતી તમામ ઘટનાક્રમ વચ્ચે થોડા દિવસ સુધી કાર્યવાહી ચાલી અને બાદમાં જેસે થે તેમ પરિસ્થિતિ જોવા મળે છે.
હાલમાં મોટાભાગના સ્કૂલ વાહન ચાલકો ફરી ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડી નિયમોનો ભંગ કરતા થયા છે પરંતુ તેમ છતાં આરટીઓની આંખ ઊઘડતી નથી તપાસના નામે થોડા દિવસ સુધી નાટક કરી ફોટો સેશન કરાવીને હવે બધા વાહન ચાલકો નિયમ પાળતા થઈ ગયા હોય તેમ આરટીઓ દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે તાજેતરમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી જેમાં અલગ અલગ સ્કૂલ અને કોલેજોમાં સેમિનાર યોજીને તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોને હેલ્મેટ પહેરવા સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓ પોતાના વાલીને હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત કરે તેવો હેતુ રાખવામાં આવ્યો હતો પણ મોટાભાગની સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોપેડ લઈને જઈ રહ્યા છે જેઓ હેલ્મેટ પણ પહેરતા નથી કેટલાકની ઉંમર પણ હજુ 18 થઈ નથી નિયમોનો ભંગ થઈ રહ્યો છે છતાં ચેકિંગ કરવામાં આવતું નથી ખરેખર આરટીઓ અને પોલિસ દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ઉપરાંત ભચાઉ-ગાંધીધામ , ભુજ-ભચાઉ હાઇવે, ખાવડા હાઇવે સહિતના માર્ગો એકસીડન્ટ ઝોન બની ગયા છે અહીં દરરોજ અકસ્માતની નાની મોટી ઘટનાઓ સામે આવતી હોય છે. અમુક ભારે વાહનના ચાલકો દારૂના નશામાં ધૂત બનીને વાહન હંકારતા હોવાના કિસ્સાઓ પણ સામ આવે છે તેમજ કેટલાક વાહનોમાં ઓવરલોડ પણ હોય છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં આરટીઓની કામગીરી સામે રોષ ઉભો થયો છે.
જેમ સ્કૂલ વાહનોના ચેકિંગ માટે આરટીઓના ઇન્સ્પેક્ટર રોડ પર ઉતર્યા હતા તેમ ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવા ઇન્સ્પેક્ટકરો કચેરીની એસી ચેમ્બર મૂકીને રોડ પર ઉતરે તેવું લોકો કહી રહ્યા છે ખાનગી લક્ઝરી બસોમાં મોટાપાયે નિયમનો ભંગ થઈ રહ્યો છે ભુજથી ભચાઉ, ગાંધીધામ નખત્રાણા, લખપત સહિતના રૂટમાં દોડતી બસો તેમજ માંડવી રૂટમાં દોડતી તુફાનમાં નિયત મર્યાદા કરતા વધારે પેસેન્જરને બેસાડવામાં આવતા હોય છે જેમ સ્કૂલ વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું તેમ ભારે વાહનોમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે પણ આરટીઓ દ્વારા કડક બની ચેકિંગ કરવામાં આવે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.


