લોકભાષા-ભુજ
વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની આજે 225મી જન્મજયંતિએ સમગ્ર કચ્છમાં રવાડી, મહા આરતી અને સમૂહ ભોજન પ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો દ્વારા રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તાલુકા મથકોથી લઈ મોટા ગામ અને શહેરી વિસ્તારમાં જલારામ મંદિર ખાતે પૂજા આરતી સાથે ભાવિક ભક્તો બાપાના સાનિધ્યમાં પોતાની આસ્થા પ્રગટ કરતા નજરે પડયા હતા ખાસ કરીને આજના પ્રસંગે લોહાણા સમાજના જ્ઞાતિજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉજવણીમાં સહભાગી થયા હતા
ભુજ શહેર ખાતેના રવાડી ફળિયા ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આજ વહેલી સવારથી લોહાણા સમાજ સાથે બાપાના ભાવિક ભક્તો દર્શન માટે ઉમટયા હતા . અહીં બાપા દયાળુ ગ્રૂપ આયોજિત મહા પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પૂજ્ય બાપાને પ્રિય એવી કઢી ખીચડી સાથે આથેલાંમરચા, રોટલા અને ગોળનો પ્રસાદ ભોજન પીરસવામાં આવ્યો હતો ગ્રુપના સ્થાપક જયેશ સચદેની આગેવાનીમાં કુલ 350 જેટલા સ્વયં સેવકોએ પોતાના શ્રમદાન વડે સહયોગ આપી પ્રસાદ વિતરણની વ્યવસ્થા સંભાળી હતી. કુલ 7 હજારથી વધુ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આસપાસના રહેવાસીઓ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગી બન્યા હતા.
ભુજ લોહાણા મહાજન દ્વારા સાંજે મહાઆરતી-મહાપ્રસાદ ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં મહાજન પ્રમુખ ડો. મુકેશ ચંદેના માર્ગદર્શન હેઠળ વિવિધ પાંખના સાથ સહકારથી પૂજ્ય બાપાની 225મી જન્મજયંતિ પ્રસંગે 225 કિલોનો બુંદીનો લાડું તૈયાર કરી ગત સાંજે દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યાં બાદ આજે લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિજમણમાં પ્રસાદ રૂપે વિતરિત કરવામાં આવ્યો હતો
શહેરના કોલેજ રોડ સ્થિત શિવ કૃપા નગર ખાતે પૂજ્ય જલારામ બાપાના પ્રથમ પટોત્સવની ધાર્મિક કાર્યક્રમો સાથે ઊજવણી કરવામાં આવી હતી. શિવ કૃપા નગર સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિવ મંદિર સ્થિત જલારામ બાપાની મૂર્તિ સન્મુખ હોમ હવન, મહા આરતી બાદ નજીકની બ્રહ્મ સમાંજવાડી ખાતે મહા પ્રસાદ યોજાયો હતો. વ્યવસ્થા ધીરેન ઠકકર, રશ્મિન ઠકકર, હસમુખ ઠકકર, પ્રેમલ ઠકકર અને રાજેશ ઠકકર વગેરે સંભાળી હતી.