લોકભાષા-ગાંધીધામ :
ઇફ્કો ઉદયનગર ગેસ્ટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રી કુંવરજીભાઈ હળપતિની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિમંડળમાં મંત્રી અને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ સાથે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ, પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તિર્થાણી, સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સભ્યો સર્વ કમલેશ પરીયાની, કૈલાશ ગોર અને અનિમેષ મોદી પ્રતિનિધિઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મુખ્યત્વે કચ્છના વિકાસને લગતા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દાઓમાં આર્થિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, ઔદ્યોગિક સમસ્યાઓ અને રોજગારની તકોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, કચ્છમાં વ્યવસાય અને રોજગાર અર્થે વસવાટ કરતા ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશના લાખો મજૂર પરિવારો માટે રેલ્વે કનેક્ટિવિટી વધારવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ અંગે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “કચ્છમાં ઔદ્યોગિક વિકાસની ગતિ સાથે મજૂર વર્ગની સુવિધાઓ પણ વધવી જોઈએ. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશથી આવતા મજૂર પરિવારો માટે રેલ્વે કનેક્ટિવિટીનો અભાવ એક મોટી સમસ્યા છે, જેનું નિરાકરણ લાવવાથી આર્થિક વિકાસમાં વધુ ગતિ આવશે.”
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે, “ચેમ્બરની લાગણી અને માંગણી છે કે, કચ્છ અને પૂર્વી રાજ્યો વચ્ચે સીધી રેલ્વે સેવા શરૂ કરવામાં આવે, જેનાથી હજારો મજૂર પરિવારોને આવન-જાવનમાં સરળતા રહેશે અને તેમનો સમય અને ખર્ચ બંને બચશે.”
મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ચેમ્બરની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આદિવાસી અને મજૂર વર્ગના કલ્યાણ માટે ગુજરાત રાજ્યની સરકાર કટિબદ્ધ છે. કચ્છના ઉદ્યોગો અને મજૂર વર્ગ વચ્ચેના સંતુલન માટે રેલ્વે કનેક્ટિવિટી વધારવાના મુદ્દાને અમે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીશું અને યોગ્ય કરવાની ખાતરી આપું છું.”
આ મહત્વપૂર્ણ બેઠકમાં, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાદેશિક વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેના સેતુ તરીકેની ભૂમિકા ભજવવાનું જણાવી, દેવજીભાઈએ કચ્છના મજૂર વર્ગની સમસ્યાઓને સમજવામાં અને તેનો ઉકેલ લાવવામાં પોતાનું સમર્થન આપ્યું હતું અને આવનારા સમયમાં આ મુદ્દાઓને પ્રાધાન્યતા આપવાની ખાતરી આપી હતી.
આ બેઠક દરમિયાન કચ્છના સમગ્ર વિકાસ અને પ્રગતિ માટે ભવિષ્યની રણનીતિઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે પરસ્પર સહયોગ વધારવાની આવશ્યકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એવું આ અખબારી યાદીમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ મંત્રી મહેશ તિર્થાણી દ્વારા જણાવવામાં આવેલ છે.


