લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લામાં પર્યાવરણ મંજૂરીના નામે અટકાવવામાં આવેલ કવોરી લીઝને પરિણામે અન્ય વિકાસ કાર્યો સહિત જિલ્લાના સમગ્ર માળખાકીય અને આર્થિક વિકાસને અવરોધ્યો છે ત્યારે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આ મુદ્દે કેન્દ્રીય સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધી વિવિધ સ્તરે વિસ્તૃત રજૂઆતો આદરી છે.
આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, કચ્છ જેવા અતિ વિકસિત, સમૃદ્ધ અને સરહદી જિલ્લામાં પર્યાવરણ સર્ટિફિકેટ અને માઇનિંગ પ્લાનના અભાવ અને અમલિકારણના નામે કવોરી લીઝણી મંજૂરી ના મળતાં તેમજ વિકાસ કાર્યો અટકાવી દેવાતાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટના રોડ, બ્રિજ અને જેટીને લગતાં માળખાકીય કામો ઠપ્પ થઈ ગયા છે. તો, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન સમાન, દુબઈ સ્થિત ડી.પી. વર્લ્ડ આધારિત, કન્ટેનર ટર્મિનલ પોર્ટના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને લગતા કામો પણ અટકી પડ્યા હોઈ, આવનાર સમયમાં તેઓની ચિંતા ને જોતાં રોકાણ અટકી પડવાની દહેશત સેવાઇ રહી છે. આ ઉપરાંત, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી જેવા મેગા પ્રોજેક્ટ્સ, રેલ્વે વિસ્તરણ અને આર.ઓ.બી. સાથે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગોના વિસ્તરણ કાર્યો પણ અટવાયા છે. આ પરિસ્થિતિમાં હજારો રોજગાર ધારકો, નાના-મોટા વ્યાપારીઓ, એસ્ટેટ અને બાંધકામ સાથે જોડાયેલા લોકોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. અને સમગ્ર આર્થિક પરિતંત્રને હચમચાવી નાખ્યું છે.
ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા અનુસાર, આ બધા વિકાસના કાર્યો ફક્ત એકતરફી અને અચાનક નિર્ણય લેવાતાં અટકેલાં હોઈ, પરિસ્થિતિની સીધી અસર વિવિધ ઉત્પાદન ક્ષેત્રોમાં નોંધપાત્ર ઘટાડો, નવા ઓધ્યોગિક એકમોની સ્થાપના અટકવી, પોર્ટ આધારિત આયાત-નિકાસ પર તેની નકારાત્મક અસર દેખાતાં, સ્થાનિક બજારમાં પણ તેની મંદીની અસર વર્તાઇ રહી છે. તે જોતાં દિવાળીના તહેવારો સમયે જ વ્યાપાર ધંધામાં મોટો ફટકો પાડવા સાથે હજારો પરિવારોની રોજગારી અટકવાથી આવક પર અવળી અસર, ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો અને સમગ્ર કચ્છ પ્રદેશ કે રાજ્યનું આર્થિક ચક્ર ખોરવવાની સંભાવના દેખાઈ રહેલ છે. સાથે સાથે જટિલ દસ્તાવેજીકરણ પ્રક્રિયા, માઈનિંગ પ્લાન મંજૂરી માટે અનેક વિભાગોની આવશ્યક મંજૂરી, દરેક વિભાગમાં અલગ-અલગ દસ્તાવેજો અને પ્રક્રિયાઓ, સમયાંતરે બદલાતા નિયમો અને માર્ગદર્શિકાઓને કારણે સમગ્ર ખાણ ખનિજ ઉદ્યોગ ને કારણે જિલ્લા ની આર્થિક ગતિવિધિને તેમજ વિકાસને બ્રેક લાગેલ છે.
માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, કેન્દ્રીય શિપિંગ સચિવની પોર્ટ મુલાકાત સમયે રૂબરૂમાં રજૂઆત, રાજ્યના મુખ્યમંત્રી, ઉદ્યોગ પ્રધાન, સાંસદ અને ધારાસભ્યો સહિત તમામ સંબંધિત અધિકારીઓને રજૂઆત કરાઈ છે, તેમ જણાવી, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક સેક્ટરમાં મંદી, બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા કારીગરો અને મજદૂરોની આજીવિકા પ્રભાવિત, હજારો કુશળ અને અર્ધકુશળ કારીગરોની રોજગારી નું જોખમ, સહાયક ઉધ્યોગો અને સેવા ક્ષેત્રમાં નોકરીઓનું સંકટ જણાવી, પર્યાવરણ મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવા, અટકી પડેલા વિકાસના કામોને તાત્કાલિક મંજૂરી આપવા, ક્વોરી લીઝ રિન્યુઅલની પ્રક્રિયા ઝડપી બનાવવા સાથે માળખાકીય પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવા અને રોજગારી સર્જન ના વિશેષ પગલાં ભરવા ની માંગ ઉચ્ચારી હતી.
આ અંગે ચેમ્બરના પદાધિકારીઓએ પ્રશાસન સમક્ષ ગંભીર સૂર વ્યક્ત કરતાં જણાવેલ કે, જો આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો, આવનારા દિવાળી પર્વ સમયેજ સમગ્ર પ્રદેશનું આર્થિક ચક્ર ખોરવાઈ જશે. તેમણે જણાવ્યું હતુ કે, આ પરિસ્થિતિ કચ્છના સમગ્ર વિકાસને અવરોધી રહી છે અને તેના કારણે હજારો પરિવારોની આજીવિકા પર અસર પડી રહી છે. અને તહેવારો બાદ આવનાર લગ્ન ગાળો અને તેને કારણે કચ્છમાં આવતા હજારો એન.આર.આઈ.ની ખરીદી ઉપર તેની વ્યાપક અસર પણ વર્તાઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન પ્રક્રિયાની મર્યાદાઓને જોઈએ તો માઈનિંગ પ્લાન સાથે પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયાનું અનિવાર્ય જોડાણ કરવાથી પર્યાવરણ વિભાગની મંજૂરીમાં અસામાન્ય અને અસહ્ય વિલંબ સર્જાઈ રહ્યો છે અને ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયાઓનું મિશ્રણ, મૂલ્યાંકન અભિપ્રાય, વિવિધ સ્તરે થતી ચકાસણીમાં સમયનો વ્યય, અરજીઓના નિકાલ માટે સ્પષ્ટ સમયમર્યાદાનો અભાવની સમગ્ર પ્રક્રિયા પર અસરો વર્તાઈ રહી છે.
ચેમ્બરે માંગ કરી છે કે, પ્રક્રિયાનું સરળીકરણ, સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમની સ્થાપના, ઓનલાઈન પ્રક્રિયાનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન, દસ્તાવેજોની સંખ્યામાં ઘટાડો, દરેક સ્તરે સ્પષ્ટ સમયમર્યાદા નિર્ધારણ, ઓટોમેટિક મંજૂરીની જોગવાઈ, પારદર્શક ટ્રેકિંગ સિસ્ટમ, પર્યાવરણીય મંજૂરી પ્રક્રિયાનું પુનર્ગઠન, નાના પ્રોજેક્ટ્સ માટે સરળ માર્ગ, સ્થાનિક સ્તરે નિર્ણય લેવાની સત્તા જેવા તાત્કાલિક પગલાંની આવશ્યકતા કરવી જોઈએ તેમજ સરકાર તાત્કાલિક ધોરણે પર્યાવરણ મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવે અને અટકી પડેલા વિકાસ અને આધુનિકીકરણના કાર્યોને પુનઃ શરૂ કરવાની મંજૂરી આપે. આ સમસ્યાના કારણે માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોના જીવન પર પણ વિપરીત અસર પડી રહી છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવો અત્યંત આવશ્યક બની ગયો છે. તેમ એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું.
ReplyForwardAdd reaction |