લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ નજીકના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બે કંપનીમાં વીસેક દિવસ અગાઉ લાગેલી આગથી 18 કરોડનું નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ આગ કંપનીના સુપરવાઇઝરના કહેવાથી બે શ્રમિકે પીપમા પડેલા યુઝડ ગારમેન્ટમા લગાવ્યા બાદ લાગી હોવાનું બહાર આવતા ત્રણ કર્મચારીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આ બનાવની વિગતો મુજબ કાસેઝમાં ટેક્સપોલી ઇમ્પેક્સ તથા બાબુ ઇન્ટરનેશનલ કંપનીઓમિ ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી. આગના આ બનાવમાં બંને કંપનીને રૂા. 18 કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવથી કંપનીઓમાં રહેલ કપડાંની ઘાંસડીઓ (બેલ), મશીનરી વગેરે બધું સળગી ગયું હતું. બનાવની તપાસ કરનાર પોલીસે એફ.એસ.એલ. અર્થે નમૂના લઇ રાજકોટ ખાતે મોકલાવ્યા હતા તેમજ બાબુ ઇન્ટરનેશનલની ઓફિસના સી.સી.ટી.વી. કેમેરા તપાસ્યા હતા, જેમાં ગોદામ પાસે ચોકીદાર દેવી કાંશી પૈટી તથા સાફસફાઇ માટે રાખેલ શ્રમિક હમીર રામજી મ્યાત્રા નામના શખ્સો દેખાયા હતા. આ બંને શખ્સ લોખંડના બેરલના કપડાં, કપાસ નાખી તેમાં દીવાસળી ચાંપી દીધી હતી. હવાનાં કારણે પીપમાં રહેલ કપડાંનો ટુકડો ધુમાડા સાથે ગોદામમાં પડતાં ગોદામમાં આગ લાગી હતી અને બાદમાં આગ ભભૂકી ઉઠી હતી.
દરમિયાન બંનેને આ અંગે પૂછપરછ કરાતાં બાબુ ઇન્ટરનેશનલ કંપનીના સુપરવાઇઝર કિશનલાલ ઉર્ફે પાજી રામલાલ શર્મા (રહે. ગોલ્ડન સિટી, મેઘપર કુંભારડી)ના કહેવાથી વેસ્ટેજ કપડાંનો જથ્થો કોઇ કારણોસર જાતેથી સળગાવી નાશ કરવા જણાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ જુદી જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


