લોકભાષા-ભુજ :
તાલુકામાં આવેલા ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. બન્ની પચ્છમ અધિકાર મંચે જિલ્લા આરોગ્ય અધિકારીને કરેલી રજૂઆત મુજબ, આ કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત છે. આરટીઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર, મંજૂર થયેલા 35 સ્ટાફની જગ્યાઓ સામે માત્ર 16 કર્મચારીઓ જ કાર્યરત છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અધિક્ષક તબીબની મહત્વપૂર્ણ જગ્યા છેલ્લા 24 વર્ષથી ખાલી છે.
ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક સર્જન જેવા વિશેષજ્ઞ તબીબોની ગેરહાજરી ગંભીર સમસ્યા બની છે. સંસ્થાના પ્રમુખ કેસર તુગાજી નોડેના જણાવ્યા મુજબ, સ્ટાફની અછતને કારણે પ્રસૂતિ દરમિયાન માતા અને બાળકના મૃત્યુના કિસ્સાઓ પણ નોંધાયા છે.
આ કેન્દ્ર બન્ની પચ્છમના 100થી વધુ ગામો અને વાંઢાઓની આરોગ્ય જરૂરિયાતો સંભાળે છે. સ્થાનિક સ્તરે પૂરતી સારવાર ન મળવાને કારણે દર વર્ષે લગભગ 1000 દર્દીઓને 100 કિલોમીટર દૂર ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવા પડે છે. નેશનલ હાઈવે પર વધતા અકસ્માતોના કિસ્સાઓને ધ્યાનમાં રાખતા ઓર્થોપેડિક સર્જનની નિમણૂક અત્યંત જરૂરી બની છે.
બન્ની પચ્છમ અધિકાર મંચે 26 જાન્યુઆરી સુધીમાં આ સમસ્યાઓનું નિરાકરણ ન આવે તો 27થી 29 જાન્યુઆરી દરમિયાન રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ધરણાં કરવાની ચેતવણી આપી છે.