લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના ૧૪ વર્ષ જૂના લાંચ કેસમા સિનીયર ક્લાર્ક મદદનીશ શ્રમ આયુકત કચેરી ગાંધીધામના સિનિયર ક્લાર્કને ત્રણ વર્ષની સજા ફટકારતો ગાંધીધામની સ્પેશિયલ એસીબી કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
આ કેસની વિગતો મુજબ લેબર કોન્ટ્રાકટરે ભુજ નગરપાલીકામાં સફાઈ કામગીરીનો કોન્ટ્રાકટ મેળવેલો અને તે વખતે લાયસન્સ ડીપોઝીટ પેટે રૂપિયા ૨૦,૨૫૦ મદદનીશ શ્રમ આયુકતની કચેરી ગાંધીધામ ખાતે જમા કરાવેલી અને કોન્ટ્રાકટ પુરો થતા ડીપોઝીટ પેટે જમા કરાવેલ રકમ પરત મેળવવા આરોપી કાંતીલાલ ગાંગજીભાઇ હીંગરાજીયાને તા.૩૧/૭/૦૮, તા.૩/૮/૦૯ અને તા. ૨૩/૯/૦૯ ના રોજ અરજી આપી હતી.
દરમિયાન આ આરોપીને મળતા આરોપીએ ડીપોઝીટની રકમના ૧૫ ટકા લેખે રૂા. ૩૦૦૦ની માંગણી કરી હતી અને છેવટે તા.૨૪/૯/૦૯ ના રૂપિયા ૨૫૦૦ની માંગણી કરી અને તા.૩૦/૯/૦૯ ના રોજ બપોર પછી કચેરીએ આવી આપી જવા નક્કી થયું હતું. આ અંગે એસીબીમા ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવ્યું હતું અને વાયદા મુજબ ફરિયાદીએ પંચની હાજરીમાં આરોપીને રૂપીયા ૨૫૦૦ની લાંચ આપતા આરોપીને લાંચ સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ લાંચ લેવાના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને સ્પેશીયલ એ.સી.બી કોર્ટ ગાંધીધામમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી.
આ કેસ ગાંધીધામ એડીશનલ સેસન્સ જજ તેમજ સ્પેશિયલ એસીબી જ્જ એ.એમ.મેમણની કોર્ટ સમક્ષ ચાલી જતાં કોર્ટે સરકાર તરફે રજુ કરવામાં આવેલા સાહેદો તથા દસ્તાવેજી આધારો સાન્ટીફીક પુરાવાઓને ગ્રાહય રાખી તેમજ સરકારી વકીલ એચ.પી.ગઢવીની દલીલને ગ્રાહય રાખી આરોપી કાંતીલાલ ગાંગજીભાઇ હીંગરાજીયા, સિનીયર ક્લાર્ક, વર્ગ-૩ (મદદનીશ શ્રમ આયુકત કચેરી ગાંધીધામ)ને ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ની કલમ ૭ અને 13(1)( ઘ), 13(2) તળે ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા ૧૦,૦૦૦ દંડ જો દંડ ન ભારે તો બે માસ સાદી કેદનીની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમા સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવી હાજર રહ્યા હતા.

