લોકભાષા-ગાંધીધામ :
શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજે આગામી તા.૧૨-૧૦ના દશેરાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ પર્વ દરમ્યાન રામલીલાના આયોજન બાદ વિજયા દશમીના પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.
શનિવારે બપોરે ૩.૩૦ કલાકે શહેરના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થશે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચશે. ડીપીટી ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬.૩૦ કલાકે રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આ વાનરસેના યાત્રામાં ઓનલાઈન નોંધણી કરાવનાર તમામ સભ્યો માટે લક્કી ડ્રો કરવામાં આવશે. પ્રથમ વિજેતાને ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કો, દ્વિતીય વિજેતાને ૫૦ ગ્રામ, તૃતિય ક્રમે ૨૦ ગ્રામ અને ચોથા અને પાંચમા ક્રમે ભાગ્યશાળી વિજેતાને ૧૦-૧૦ ગ્રામ ચાંદીના
સિક્કા અપાશે.
દશેરા મહોત્સવની ઉજવણી રાવણનુ ૬૫, ૫૦ ફૂટનુ કુંભકરણ અને ૫૦ ફૂટનુ મેઘનાથનુ પુતળુ બનાવવામાં આવી રહ્યું છે. આ પુતળા બનાવવા માટે ચમનભાઇ, અજય શૉ, બ્રીજેશ બીજાવત, વસંતી ગોકુલમીનાજી છેલ્લા દોઢ મહીનાથી જહેમત ઉઠાવી રહયા હતા તેની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે.
ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, પ્રોજેકટ ચેરમેન સુરેશ ગુપ્તા અને સંજય ગર્ગના માર્ગદર્શન હેઠળ સમાજના હોદ્દેદારો, યુવા અને મહિલા મંડળના સભ્યો તથા રામ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. તેવું મીડિયા કન્વીનર અશોક મિતલની યાદીમાં જણાવાયું હતું.