લોકભાષા-ગાંધીધામ :
શહેરના મચ્છુનગર વિસ્તારમાં થયેલ રાત્રી ધરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં રહેલ કબાટમાંથી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૬,૬૪,૦૦૦ની ચોરી થઈ હતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે આરોપી યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણાને સોના ચાંદીના દાગીના સહીતના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈશમ દ્વારા રાત્રી દરમ્યાન દરવાજો તોડી ઘરમાં રહેલ કબાટમાંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૬,૬૪,૦૦૦ની ચોરી કરી લઈ ગયા હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
દરમિયાન પોલીસે અલગ- અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે સર્વેલન્સ ટીમના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા અને ટેકનિકલસોર્સના આધારે આ ચોરીને અંજામ આપનાર આરોપીને ખારીરોહર ગામેથી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામે તમામ મુદામાલ રીકવર કરી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં ગાંધીધામ બી ડીવીઝન પોલીસને સફળતા મળી છે.
આ ગુનામા આરોપી યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણા ઉ.વ. 33 રહે- ખારીરોહર તા-ગાંધીધામને એક સોનાનો હાર વજન ૯૫. ૪૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૩,૫૦,૦૦૦, એક સોનાનો મઘ નો હા૨ ચેન સાથે વજન ૫૪.૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦, એક સોનાની ચેન વજન ૨૯.૯૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૧,૭૩,૦૦૦, એક સોનાની વિંટી વજન ૧.૫૭૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૫,૦૦૦, સોનાનો કુક૨વો (ઠોરીયા) જોડ-૧ વજન ૪.૦૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૫,૦૦૦, એક ચાંદિનુ કડુ વજન ૧૦૩.૭૫૦ ગ્રામ કિ.રૂ. ૧,૦૦૦ સહીત કુલ રૂપિયા ૬.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી