લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ દરખાસ્ત રાજ્ય સરકારને સુપરત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ, રાજ્યના પ્રવાસન મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ અત્યંત આવશ્યક છે.
ગાંધીધામ શહેર ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં તેમજ તાજેતરમાં જ મહાનગરપાલિકા માં સ્થાન પામ્યું હોવા છતાં પણ, આજુબાજુના વિસ્તારમાં પ્રવાસન આકર્ષણો ઓછા હોવાથી, સ્થાનિક અને પ્રવાસી મુલાકાતીઓ માટે મનોરંજનની સુવિધાઓ વધારવાની તાતી જરૂરિયાત દર્શાવાઈ છે. આ સંદર્ભે, બાજુમાં જ સ્થિત, શિણાય જળાશય વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ પરિયોજના અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા તળાવ અને વડોદરાના આજવા સરોવર જેવા સફળ પ્રવાસન કેન્દ્રોની વિશેષતાઓને સમાવતી એક અનોખી પરિયોજના બનશે. તેવો વિશ્વાસ ચેમ્બર દ્વારા અપાયો હતો.
અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તેની જેમ શિણાય જળાશય વિસ્તારમાં પણ વિશાળ વોટરફ્રન્ટ પ્રોમેનેડ વિકસાવી શકાય તેમ છે. સાંજના સમયે મ્યુઝિકલ ફાઉન્ટેન શો, આધુનિક જોગિંગ અને સાયકલિંગ ટ્રેક, સુંદર લેન્ડસ્કેપ્ડ ગાર્ડન, આધુનિક ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા થી તથા, વિશાળ ઓપન એર થિયેટર અને કલ્ચરલ પ્લાઝા દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ ત્યાં કરી શકાશે.
વધુમાં, વડોદરાના આજવા સરોવરની જેમ, શિણાય જળાશય ખાતે પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ સુવિધાઓ ઊભી કરવી જોઈએ. અત્યાધુનિક જળક્રીડા કેન્દ્ર, પક્ષી નિરીક્ષણ કેન્દ્ર, અને વિશાળ બાયોડાયવર્સિટી પાર્ક વિકસાવાય. જેથી પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ શિક્ષણ આપી શકાય, જ્યારે પિકનિક સ્પોટ અને સાહસિક રમતોની સુવિધાઓ યુવાનોને આકર્ષવા નું મુખ્ય પરિબળ બની શકે તેમ છે.
ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “ગાંધીધામ આજે ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે અગ્રેસર છે, પરંતુ પ્રવાસન ક્ષેત્રે હજુ ઘણી તકો રહેલી છે. ત્યારે શહેર માત્ર ઔધ્યોગિક કે વ્યાપારિક કેન્દ્ર તરીકે જ નહીં, પરંતુ એક સંપૂર્ણ શહેર તરીકે વિકસવું જોઈએ. શિણાય જળાશય વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન કેન્દ્ર વિકસાવવાથી શહેરની ઓળખ વધુ મજબૂત બનશે અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે.” અને ગાંધીધામ શહેર, ધોરડો ના વિશ્વ વિખ્યાત સફેદ રણ તેમજ ધોળાવીરા ની હડપ્પન સંસ્કૃતિની વર્લ્ડ હેરિટેજ સાઇટ ની પણ મધ્યમાં હોવાને કારણે પણ વધારાના આકર્ષણ હેઠળ આવરી શકાય તેમ છે.”
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ પ્રસ્તાવિત યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમારી પ્રસ્તાવિત યોજનામાં મુખ્યત્વે પાંચ મુખ્ય વિકાસ ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આધુનિક વોટર એડવેન્ચર અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટથી માંડીને, ઇકો-ટુરિઝમ પાર્ક, સાંસ્કૃતિક કેન્દ્ર, અને આધુનિક હોટેલ-રિસોર્ટ્સ સુધીની મનોરંજન સુવિધાઓ વિકસાવવાની માંગ કરાઇ છે. અને આ પ્રોજેક્ટથી માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ રોજગારની નવી તકો પણ ઊભી થશે.” વધુમાં આર્થિક પાસાં પર પ્રકાશ પાડતા ઉમેરેલ કે, આ વિકાસથી સૌરાષ્ટ્ર અને રાજસ્થાનથી કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓને તેમજ વ્યવસાયિક અર્થે અત્રે આવતા સહુ કોઈને પણ વધુ આકર્ષી શકાશે.
શિણાય જળાશય પરિયોજના અન્ય સ્થળોથી વિશિષ્ટ રીતે અલગ પાડે છે. અહીં આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તારોની કચ્છી સંસ્કૃતિને પ્રદર્શિત કરતું સાંસ્કૃતિક કેન્દ્ર વિકસાવી શકાય તેમ છે, જ્યાં સ્થાનિક કલા અને હસ્તકલાનું પ્રદર્શન થઇ શકે. જે, આધુનિક વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઇકો-ફ્રેન્ડલી પર્યટન સુવિધાઓ પર્યાવરણની જાળવણી સાથે મનોરંજન પૂરું પાડશે. આજુ બાજુ માં સ્થાપિત આધુનિક હોટેલ અને રિસોર્ટ્સની સાથે મોટી રેસીડેન્સીઓ, ને કારણે કચ્છી વ્યંજનોનું વિશેષ ફૂડ કોર્ટ પણ આ સ્થળે વિકસીત થઈ શકે તેમ છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીના મતે, આ સંકૂલ પોર્ટ આધારિત અનેકવિધ રીતે આયાત-નિકાસ સાથે સંકળાયેલ હોવાથી, અહીં વ્યવસાયકારો, વ્યાપારી-ઉધ્યોગપતિઓ અને સ્થાનિક રહેવાસીઓની સતત આવન-જાવન રહે છે. આ પ્રોજેક્ટના સમયસર આયોજન અને અમલવારી કરવાથી ગાંધીધામ શહેરનું સામાજિક અને આર્થિક મહત્વ હજુ પણ વધશે, સાથે વિદેશી અને દેશી રોકાણ માટે આકર્ષણ વધશે, અને પ્રવાસન ઉદ્યોગમાં વૃદ્ધિ થવાથી સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત વેગ મળશે. ગાંધીધામ ચેમ્બર આ મહત્વાકાંક્ષી પરિયોજનામાં રાજ્ય સરકારને પૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે.તેવો પત્રમાં વિશ્વાસ અપાવ્યો હતો. અને આશા વ્યક્ત કરી છે કે, આ પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અર્થે જલ્દીથી મંજૂરી મળશે, તેવું આ અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ.

