લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ નગરપાલિકાના પાણી વેપલાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગાંધીધામમા કોંગ્રેસના આગેવાનોએ પાણીના ટાંકા ઉપર પહોંચી મીલીભગતને ઉજાગર કરી છે, જોકે હવે વહીવટી તંત્ર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર છે.
કોંગ્રેસ દ્વારા પ્રજાની ફરિયાદને આધારે ગાંધીધામ નગરપાલીકા હસ્તકના આદિપુર ખાતે આવેલા પાણીના ટાંકા ઉપર પહોંચી સત્તાધીશો દ્વારા ખુલ્લેઆમ સરકારી પાણીના વેપલાનો ભાંડા ફોડ કર્યો હતો. શહેરજનોની પુરતું પાણી નથી મળતું અને નગરપાલીકાના સત્તાધીશોની મહેરબાનીથી પાણીનો વેપલો કરી રહ્યા છે.
ગાંધીધામ કોંગ્રેસ આગેવાનો નગરપાલીકાનુ ટેન્કર આદિપુર મધ્યે રેલ્વે કોલોનીના સંપ ખાતે પાણી ઠાલવી રહ્યુ હતું ત્યાં પહોંચી ગયા હતા અને ટેન્કર ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડ્રાઈવર ટેન્કર મુકીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે કોગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે તપાસ કરતા જાણવા મળ્યું કે રેલ્વેમાં પાણી પૂરું પાડતા કોન્ટ્રાકટર દ્વારા નગરપાલીકાના સત્તાધીશો સાથે સાઠગાંઠ કરી મહિને મસમોટા હપ્તો નકકી કરી ને પાણીનો છેલ્લા કેટલાક સમયથી વેપલો કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર કૌંભાંડમાં નગરપાલીકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, પાણી પુરવઠા ચેરમેન, કેટલાક નગરસેવકની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ કરી. એક બાજુ શહેરની પ્રજા પાણી માટે વલખાં મારી રહી છે, સામન્ય પ્રજાજનો પાણી ના ટેન્કરની વરધી આપે છે તો પાંચ દિવસે ટેન્કર મોકલવામાં આવે છે, જ્યારે વેચાણથી મિનિટોમાં જ ટેન્કર પહોચાડવામાં આવે છે. તેવી ફરિયાદ પણ ઉઠી છે.
આ અંગે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમા નગરપાલીકાના સત્તાધીશોની મીઠી નજર હેઠળ પાણીનો વેપલો ચાલી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો અને આ બનાવ અંગે જણાવ્યું છે કે ટેન્કરના ડ્રાઈવરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ટેન્કર પાલીકાનું છે તે એક નગરસેવકના ઠેકા હેઠળ ડ્રાઈવરનું કામ કરી રહ્યા છે. આમ નગરપાલીકાના ત્રણ નગરસેવક દ્વારા લેબર સપ્લાયનો ઠેકો રાખવામા આવેલ છે, અને મનફાવે તેમ મજૂરોના તગડા બિલો મહિને રજૂ કરીને લાખો રૂપિયાનું કૌંભાંડ આચરવામાં આવી રહ્યું છે. હાલમાં ત્રણ એજન્સીઓનો નામજોગ ઉલ્લેખ કરી હાલના નગરસેવકો ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું છે.
અંતમાં સરકારી તિજોરીને નુકશાની કરવા બદલ નગરપાલીકાના જવાબદાર અધિકારી તરિકે ફરિયાદી બનીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સાથે અમો ફરિયાદી બની ને ફોજદારી ફરિયાદ નોંધાવશુ તેમ જણાવ્યું છે. આ આવેદનપત્ર આપતી વખતે ભરતભાઈ સોલંકી, બાબુભાઇ આહીર, જમાલભાઈ સાયચા, લતીફ ખલીફા ઉપસ્થિત રહ્યા હતા.

