લોન ભરપાઇ પેટેનો અન્ય બેન્કનો ચેક પરત થતાં 3.81 લાખનો દંડ : એસ.ટી.ના કર્મચારીને બે અલગ અલગ કેસમાં 4 લાખનો દંડ ફટકારાયો
લોકભાષા-ભુજ :
ભુજના ચોથા અધિક સીવીલ જજ તથા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા ચેક બાઉન્સ થવાના અલગ અલગ ત્રણ કેસોમાં આરોપીઓને એક-એક વર્ષની સાદી કેદની સજા સાથે દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્ય સહકારી કૃષી અને ગ્રામીણ વિકાસ બેન્કની અંજાર શાખામાંથી આરોપી શંભુભાઇ રામજીભાઇ હેઠવાડીયાએ ખેતી વિષયક લોન લીધી હતી. જેની ભરપાઇ ન કરીને તેની અવેજીમાં બીઓબી અંજાર શાખાનો ચેક આપ્યો હતો. જે તરત ફરતાં અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા, સાથે ચેકની રકમ 3,80,844 દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ 180 દિવસની સાદી કેદનો હુકમ કર્યો હતો. તો, અન્ય દાવામાં એસટી વિભાગમાં ફરજ બજાવતા દિલીપ જયંતિલાલ દવે પાસેથી સહ કર્મચારી સુલેમાન ઓસમાણ લોધરાએ હાથ ઉચ્છીના 6 લાખ લીધા હતા. ફરિયાદીએ રૂપિયાની માગણી કરતાં આરોપી સુલેમાનએ ફરિયાદીને 2 લાખ 50 હજાર અને 1 લાખ 50 હજારના બે અલગ અલગ નલિયા એસબીઆઇ બેન્કના ચેક આપ્યા હતા. જે પૂરતુ ભંડોળ ન હોવાને કારણે શેરા સાથે પરત ફરતાં આરોપીને અદાલતે બન્ને કેસમાં એક-એક વર્ષની સજા તેમજ ચેકની રકમ અઢી લાખ અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ 180-180 દિવસની સજા ભોગવવા આદેશ કર્યો હતો.

