લોકભાષા-આણંદપર :
નખત્રાણા તતાલુકાના નાના અંગીયા ગામના ખેડુત એવા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે મગફળીનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે. એક ઉનાળુ મગફળી તેમજ ચોમાસું મગફળીના પાકો લેવામાં આવે છે.જેમના વિસ્તારમાં બોરના પાણી મીઠા હોય છે. એવા ખેડુતો વર્ષમાં મગફળીના બે પાકો લેતા હોય છે.જે વિસ્તારોમાં બોરના પાણી નબળા હોય છે એ વિસ્તારના ખેડુતો ચોમાસું મગફળીનો એક જ પાક લેતા હોય છે.મગફળીના પાકને મીઠું પાણી મળે તોજ સારો પાક અને સોળ આની થતો હોય છે.એટલે નબળા બોરના પાણી વાળા ખેડુતો ચોમાસું મગફળી પાક એટલા માટે લે છે કે નબળા પાણી સાથે વરસાદી પાણી બેથી ત્રણ મળી જાય તો મગફળીનો પાક સારો ઉતરે છે.
એવીજ રીતે નખત્રાણા તાલુકાના અમુક પંથકના પાણી નબળા હોવાથી અહીં ઉનાળુ મગફળીનું વાવેતર કરતા નથી ખાલી ચોમાસું વાવેતર કરતા હોય છે.આ વખતે પલીવાડ, આણંદપર, કુરબઈ, જીયાપર, મંગવાણા સહિતના ખેડુતોએ નબળા પાણીના કારણે ચોમાસું મગફળીનું વાવેતર આશરે પચાસથી સાઈઠ એકરમાં કર્યું છે. જયારે સાંયરા, દેવપર, નાના અંગીયા વિસ્તારમાં મગફળીને માફક આવે એવા પાણી છે. તો ખેડૂતો ક્યારેક ઉનાળુ પણ મગફળીનું વાવેતર કરતા હોય છે. મગફળીના પાકને શરૂઆતમાં વરસાદી પાણી સારા મળ્યા હતા. પણ પાછોતરો વરસાદ ખેંચતા વરસાદી પાણી પાછળથી મળતા મગફળીમાં જીવ આવતા મગફળી સારી થઈ છે.
ચોમાસુ મગફળીનું વાવેતર પાંચમા (મેં)મહિનાની શરૂઆતમાં કરવામાં આવે છે. અને તેને નવમાં (નવેમ્બર)મહિનાના અંતમાં ઉખેડવામાં આવે છે.તેની વચમાં મગફળીના પાકને ખાતર, દવા, વિખડવા સહિતની કામગીરી કરવામાં આવે છે. હાલ ખેડુતો મગફળીને ઉખેડવાનું કામ એક એકરના ૭૦૦૦થી ૭૫૦૦ હજાર રૂપિયાના હિસાબે ઉધડું આપી દે છે. જેમાં મગફળી ઉખેડી તેના પથારા કરીને જયારે મગફળી નીકળે ત્યારે હપ્લર સુધી પહોંચાડી દેવાની જવાબદારી હોય છે. એક દિવસની મગફળી ઉખેડવાના ૩૫૦રૂપિયા મજુરી મજૂરો લઈ રહ્યા છે. વાતાવરણ તડકા વાળુ અને સુકુ હોય તો આઠ દિવસ અને ભેજવાળું વાતાવરણ હોય તો દસથી બાર દિવસે મગફળીના પથારાને ભેગા કરીને હપ્લર સુધી પહોચાડીને કાઢવામાં આવે છે. ૨૦૨૦ની સાલમાં મગફળી ઉખડયા બાદ વરસાદ પડતા મગફળીના પથારા પાણીમાં તરયા હતા. જેથી કરીને ખેડુતોને તે સમય પાકને નુકશાન થયું હતું. હાલ પણ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરે છે. આમ દર વર્ષે મગફળીના પાક વખતે વરસાદ પોતાની હાજરી પુરાવા પહોંચી આવે છે. એવું નાના અંગીયાના ખેડુત એવા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું.


