લોકભાષા-આણંદપર :
નવરાત્રી પર્વ આવતા ગામડું હોય કે શહેર ઠેરઠેર દાંડિયા રસ કે ગરબાની રમઝટ જામતી જોવા મળતી હોય છે. વર્ષો પહેલા ગરબીચોકનો શણગારથી લઈને તમામ આયોજનો જે તે વિસ્તારના અબાલ વૃધ્ધ ઉમંગથી કરતા હતા. તેનું સ્થાન વ્યવસાયિક આયોજકોએ લઈ લીઘું છે. આધુનિક મંડપ, ડેકોરેશનનો ઝગમગાટ વચ્ચે પણ આજે ડીઝીટલ યુગ છતા પણ નવરાત્રી પર્વ નિમિત્તે આજે પણ અમુકો ગામોમાં ગરબી ચોકમાં પેઇન્ટિંગ કરેલા ભીત ચિત્રો જોવા મળી રહ્યા છે.
આજના ઝડપી યુગમાં દરેકમાં પરિવર્તન આવતું જાય છે.જૂના જમાનામાં ગરબીના બેનરો પીંછી દ્વારા ચિતરવામાં આવતા.ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી નાટકનું અનેરૂ મહત્વ હતું.દરેક નાટકના વિષયને અનુરૂપ પડદા પણ ચિત્રકારો દ્વારા ચિતરવામાં આવતા.
નવરાત્રી દરમિયાન ગરબી ચોકની દીવાલો પણ અવનવા ચિત્રોથી શણગારવામાં આવતી. તેમજ ગરબીમાં નવદુર્ગાની ગ્લાસ પેઇન્ટિંગ પણ કરવામાં આવતી.જોકે હવે સિટીઓમાં આનું સ્થાન ડીઝીટલ બેનરોએ લઈ લીધું છે.ત્યારે ગામડાંમાં પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતા છંદ ગરબાની સાથે ભીંત ચિત્રોની પરંપરા હજુ પણ ઘણી જગ્યાએ યથાવત છે.પ્રસ્તુત તસવીરમાં મુળ નાગવીરીના હાલે નખત્રાણા રહેતા ચિત્રકાર મહેશભાઈ સોની દ્વારા બનાવેલા ભીંત ચિત્રો દૃષ્ટિગોચર થાય છે.