લોકભાષા-ભુજ :
જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ આવેલ મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોરો લઇ ફરાર થઇ ગયા છે. જે મામલે જખૌ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીના બનાવ 2 તારીખ પહેલા કોઇપણ સમયે બન્યો હોવાનો અનુમાન છે. જો કે ગઇકાલે પોલીસના ધ્યાને આ મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે વિવિધ ગુન્હામાં કબ્જે કરેલ કોપર કેબલનો અલગ-અલગ જથ્થો કિંમત રૂપીયા 45,000 ની ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસના ધ્યાને મામલો આવ્યા બાદ જખૌ પોલીસ મથકના પીએસઆઇ હીરા મઠીયાએ ફરીયાદી બની અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવી છે. અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જખૌ પોલીસના બી.પી.ખરાડી એ વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં તાજેતરમાં અનેક ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા છે. પરંતુ તે વચ્ચે હવે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાં હાથ મારી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

