લોકભાષા-ભુજ :
લખપતના દયાપર ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા મહિલાને અજાણ્યા શખ્સે પોતે કાપડનો વેપાર કરતા હોવાનું જણાવીને કાપડની ડીઝાઇનો મોકલીને ગુગલ પેથી રૂપિયા 1,13,975 મેળવી કાપડ કે રૂપિયા ન આપીને છેતરપીંડી કરી હતી. ભોગબનારે દયાપર પોલીસ મથકનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાના ગયેલા રૂપિયા પરત અપાવી દઇ સરાહનીય કામગીરી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દયાપર ગામે રહેતા સહેનાઝબેન હબીબભાઇ નોતિયાર જે કાપડનો વ્યવસાય કરતા હોઇ તેમને એક અજાણયા નંબરથી ફોન આવ્યો હતો. અને કાપડના વેપારી તરીકેની પોતાની ઓળખ આપીને ફરિયાદી મહિલાને કપડા જોઇતા હોય તો, ડીઝાઇન મોકલવાનું કહીને ડીઝાઇન મોકલાવી હતી. ત્યાર બાદ ફરિયાદી મહિલાએ અજાણ્યા ફોનધારકને ગુગલ પેથી રૂપિયા 1,13,975 મોકલી આપ્યા હતા. બાદમાં કપડા ન આવતાં મહિલાને પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું જણાતાં તેમણે તરત દયાપર પોલીસનો સંપર્ક કર્યો હતો. દયાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદીની ગયેલી પૂરેપૂરી રકમ મહિલાના એકાઉન્ટમાં પરત અપાવી દીધી હતી. દયાપર પોલીસ મથકના ઇન્સ્પેકટર વી.વી.ભોલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અજયભાઇ એસ. દેશાઇએ કાર્યવાહી કરી હતી.

