લોકભાષા-ભુજ :
દરશડી ગામ પાસેના હાઇવે રોડ પર રાત્રે બળદ સાથે બાઇક અથડાતાં બીદડાના યુવકનું સવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બીદડા ગામે મફતનગરમાં રહેતા ઇમરાન લતીફ મથડા (ઉ.વ.20)એ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમના મિત્ર નરેશ અશોકભાઇ મારવાડા રહે બીદડા બન્ને જણાઓ સોમવારે રાત્રે સાડા સાત વાગ્યે મોટર સાયકલ પર ભુજથી બીદડા થઇ રહ્યા હતા. ત્યારે ઇમરાન પોતે મોટર સાયકલ ચલાવતો હતો. દરમિયાન દરશડી ગામ પાસે અચાનક રોડ પર બળદ આડો ઉતરતાં બાઇક બળદ સાથે અથડાઇ હતી. ત્યારે બાઇક પરથી બન્ને મિત્રો નીચે રોડ પર પટકાયા હતા. જેમાં બન્નેને ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બન્ને જણાઓને જી.કે.જનરલ હોસ્પિટલ લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે રાત્રે સાડા આઠ વાગ્યે નરેશ અશોકભાઇ મારવાડાને મૃત જાહેર કર્યો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.


