લોકભાષા-ગાંધીધામ :
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના નવનિયુક્ત ચેરમેન સુશીલકુમાર સિંઘનો તથા અન્ય પદાધિકારીઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ હતો. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન કંડલા પોર્ટ કોન્ટ્રાકટર એસોસિએશન, કંડલા ટિમ્બર, ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, મલ્ટી પર્પઝ અદાણી ટર્મિનલ, પોર્ટ એજન્ટ કાઉન્સિલ, સ્ટીવેડોર્સ, કસ્ટમ બ્રોકર્સ, લિક્વિડ ટેન્ક ટર્મિનલ, ટ્રેલર ઓનર્સ, કંડલા-મુંદ્રા કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટર્સ, શીપ ચેન્ડલર્સ, કંડલા પોર્ટ યુઝર્સ અને કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેનુંફએકચરર્સ એસોસિએશનના માનદ પ્રતિનિધિઓ સહિત વિવિધ ૧૨ જેટલા વેપારી મંડળો અને મોટી સંખ્યામાં સભ્યોએ ઉપસ્થિત રહી સક્રિય ભાગ લીધેલ હતો.
આ અભિવાદન સમારોહ બાદના કાર્યક્રમ દરમ્યાન યોજાયેલ, ઓપન હાઉસ ફોરમમાં, વેપારી પ્રતિનિધિઓએ પોર્ટ અને શિપિંગ વ્યવસાય સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા ત્યારેજ ચેરમેન સુશીલ કુમાર સિંઘે આ તમામ મુદ્દાઓની ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી અને તાત્કાલિક પગલાં લેવાની ખાતરી અપાઈ હતી.
આ અંગે ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, નોંધપાત્ર બાબત એ રહી હતી કે, બીજા જ દિવસે જાહેર રજા હોવા છતાં, ચેરમેનએ સવારે જેટી નંબર-૧૩ ખાતે પોર્ટ ઓથોરીટીના તમામ સંબંધિત અધિકારીઓ, ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિઓ અને પોર્ટ યુઝર્સની ઉપસ્થિતિમાં જ સ્થળ મુલાકાત યોજેલ હતી તેમજ, આ મુલાકાત દરમિયાન રજૂ થયેલા ચાર પૈકી ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણી અને પૂર્વ પ્રમુખ તેજા કાનગડે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચેરમેનએ દાખવેલી તત્પરતા, સકારાત્મક વલણ અને તેમની નિર્ણયશક્તિ ખરેખર પ્રશંસનીય છે. તેમની આ કાર્યશૈલી વેપારી સમુદાય માટે એક આશાનું કિરણ બનીને ઊભરી આવેલ છે. પોર્ટ અને વેપાર જગતના પ્રશ્નોના ઝડપી નિરાકરણથી નિશ્ચિતપણે વ્યાપાર- વાણિજ્યને નવી ગતિ અને દિશા મળશે.”
ચેરમેનએ દાખવેલી કાર્યકુશળતા, દૂરંદેશિતા અને ધૈર્યપૂર્ણ અભિગમની ગાંધીધામ ચેમ્બર દ્વારા વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના બિઝનેસ ફ્રેન્ડલી અભિગમ અને સમગ્ર પ્રશાસનિક કાર્યશૈલીએ વેપારી સમુદાયમાં પણ ખુશીની લહેર ફેલાવી છે તે માટે તેમણે, ચેરમેનને અભિનંદન પાઠવી સમગ્ર પોર્ટ પ્રશાસનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં ચેમ્બરના આગેવાન તેજા કાનગડ દ્વારા રજૂ કરાયેલ વ્યૂહાત્મક સૂચનોનો પોર્ટ અધિકારીઓએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને તેના અમલીકરણ માટે સહયોગની ખાતરી આપવા સાથે, તેજા કાનગડ પ્રત્યે પ્રશાસન માટે સહાયક ભૂમિકા નિભાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરાઇ હતી.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચેરમેનનો આ પ્રકારનો સંવેદનશીલ અને પ્રગતિશીલ અભિગમ વેપાર-ઉદ્યોગના વિકાસ માટે ખૂબ જ આશાસ્પદ છે. તેમની કાર્યપદ્ધતિથી નિશ્ચિતપણે પોર્ટના વિકાસને નવી દિશા મળશે.”
પોર્ટ મુલાકાત દરમ્યાન પ્રતિનિધિમંડળમાં ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘ, ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લા, ચીફ એન્જિનિયર વી. રવીન્દ્ર રેડ્ડી, ટ્રાફિક મેનેજર બી. રત્નશેખર રાવ, ડેપ્યુટી ટ્રાફિક મેનેજર સુદીપ્તો બેનરજી, એકઝી. એન્જી. મહેશ માખીજાણી, સીઆઈએસએફના આર. વી. શ્રીમાળી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, કસ્ટમ બ્રોકર એસોસિએશન અને કંડલા પોર્ટ યુઝર્સ તરફથી કેયૂર ઠક્કર અને ઋષિરાજસિંહ ગોહિલ, જે.એમ.બક્ષી ગ્રુપના કન્ટેનર ટર્મિનલ હેડ રામદે કરંજીયા અને તેમની ટીમ ઉપસ્થિત રહી જોડાયા હતા. તેમ અંતમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

