લોકભાષા-ગાંધીધામ :
દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ પોતાનું દાયિત્વ નિભાવ્યું આરોગ્ય સંસ્થાઓ ક્યારે નિભાવશે?? તેવા સવાલ સાથે ટોકન ભાવે મળેલી જમીનો ઉપર દાતાઓના સહયોગથી બનેલી હોસ્પિટલો મોંઘીદાટ સાબિત થઈ રહી છે તેવી ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખએ ડીપીએ ચેરમેનને રજુઆત કરી છે.
આ અંગે ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ગાંધીએ ડીપીએ ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે ગાંધીધામ ખાતે દ્વારા આરોગ્ય સંસ્થાઓને ટોકન ભાવે જમીન આપી છે અને તેના ઉપર બનાવેલી અદ્યતન હોસ્પિટલો હાલમાં ગાંધીધામ આદિપુર કે પૂર્વ કચ્છના મધ્યમ અને ગરીબ લોકો માટે મોંઘીદાટ સાબિત થઈ રહી છે લોકોને આરોગ્ય સેવા સસ્તી અને સારી મલે તેવા ઉદ્દેશ્યથી દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા જે તે સંસ્થાઓને આરોગ્ય લક્ષી કામગીરી માટે ટોકન ભાવે જમીનો ફાળવવામાં આવી હતી ડીપીઓનો ઉદ્દેશ હાલમાં સાર્થક થતો હોય તેમ લાગતું નથી કારણ કે ડીપીએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે જ્યારે આ પ્લોટ ઉપર હાલમાં કાર્યરત ગાંધીધામ આદિપુરની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલો લોકો માટે કોર્પોરેટ કંપનીઓ સાબિત થઈ રહી છે.
આ પત્રમાં પૂર્વ કચ્છની એકમાત્ર સરકારી રામબાગ હોસ્પિટલ ખુદ ગંભીર બીમારીની પથારી હોય તેમ અધ્યતન બિલ્ડિંગમાં ખોખલી આરોગ્ય સેવા સાબિત થઈ રહી છે. જન પ્રતિનિધિઓને ગાંધીધામ આદિપુર અને પૂર્વ કચ્છની સામાન્ય જનતાની કંઈ જ પડી ન હોય તેમ આ સરકારી હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલા સાધનો ધૂળ કરી રહ્યા છે ટેકનિકલ સ્ટાફના અભાવે લોકોને આ સરકારી હોસ્પિટલમાંથી પૂરતી સુવિધા પ્રાપ્ત થતી નથી તેવી ફરિયાદ સંજયભાઈ ગાંધીએ કરી છે.
પરંતુ દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી ગાંધીધામ આદિપુરની કરોડો રૂપિયાની કિંમતની જમીન માત્ર એક રૂપિયા અથવા તો ટોકન ભાવે જે તે સંસ્થાને આરોગ્ય લક્ષી કામગીરી કરવા માટે આપવામાં આવી છે આ જમીન ઉપર પણ બનાવવામાં આવેલું અધ્યતન બિલ્ડીંગ અને તેમાં અમુક અંશે સાધન સામગ્રી પણ સ્થાનિક દાતાઓ દ્વારા ડોનેશન રૂપે આપવામાં આવ્યું છે જમીન પણ ડોનેશનમાં અને અદ્યતન તૈયાર થયેલું બિલ્ડીંગ પણ સ્થાનિક આગેવાનો કે દાતાઓના સહયોગથી બન્યું છે તેમ છતાં સ્થાનિક લોકોને જોઈએ તેટલી સુવિધાઓ પ્રાપ્ત નથી જે સુવિધાઓ છે તે મોંઘીદાટ હોવાના કારણે મધ્યમ અને પછાત વર્ગના લોકો માટે આ હોસ્પિટલો સંસ્થાકીય નહીં પણ કોર્પોરેટ કંપની સંચાલિત મોંઘીદાટ હોસ્પિટલો બની રહી છે.
ગાંધીધામ આદિપુરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી સામાજિક અથવા તો સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલોનો ઉદ્દેશ સ્થાનિક લોકોને સસ્તી અને સારી આરોગ્ય સેવા મળી રહે તેવો હતો પરંતુ આ ઉદ્દેશ હાલમાં સાર્થક થતો દેખાતો નથી કારણકે મોંઘી દાટ બનેલી હોસ્પિટલો લોકો માટે બોજારૂપ બની ગઈ હોવાનું સંજયભાઈ ગાંધીએ આ પત્રમાં જણાવ્યું છે.
ગાંધીધામ આદિપુરમાં નજીકની ઇન્ડસ્ટ્રીઝ, કંડલા પોર્ટ, કંડલા ઇકોનોમિક ઝોન, ટીમ્બર જેવા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા શ્રમજીવીઓ મોટી સંખ્યામાં વસે છે જુદા જુદા મોટો વિસ્તારોમા આ લોકો રહે છે તેમના માટે સસ્તી અને સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ બને તેવા હેતુથી જ જે તે વખતના કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ આદિપુરના વિવિધ સંસ્થાઓને ટોકન ભાવે આ જમીનો ફાળવવામાં આવી હતી પરંતુ હાલમાં શ્રમજીવીઓ તો ઠીક મધ્યમ અને ઉચ્ચતર મધ્યમ વર્ગના લોકોને આવી હોસ્પિટલોમાં સારવાર લેવી પરવડે તેમ નથી.
આ મુદ્દે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ પોતાનુ ઉત્તરદાયિત્વ નિભાવી સંકુલના લોકો માટે સસ્તી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે અવશ્યક છે ગાંધીધામ આદિપુરમાં ટોકન ભાવે તત્કાલીન કંડલા પોર્ટ ટ્રસ્ટ અને હાલનું દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલી જમીનો લોકોની સુખાકારી માટે હતી ત્યારે ડીપીએ દ્વારા પણ આ મુદ્દે વર્તમાન સમયમાં ચાલી રહેલી હોસ્પિટલોના સંચાલકો ટ્રસ્ટના હોદ્દેદારો સાથે બેઠક કરી આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને લોકોને સસ્તી આરોગ્ય સેવા મળે તે માટે ડીપીએ દ્વારા આવી સંસ્થાઓને ફરજ પાડવી જોઈએ તે શહેરના હિતમાં છે તેવી માગ સંજયભાઈ ગાંધીએ કરી છે.

