લોકભાષા-ગાંધીધામ :
કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટર સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીએ બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરે આપી હતી.
અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી જિલ્લા કલેક્ટરએ આપી હતી.
સમાજ કલ્યાણની કચ્છ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓ અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદે અવગત કરાવ્યા હતા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજદરે આર્થિક સહાય, સમાજ કલ્યાણની હોસ્ટેલ સુવિધા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંગે જાણકારી મેળવીને કેન્દ્રિય રાજ્યમંત્રીએ સમાજ કલ્યાણ વિભાગ કચ્છની કામગીરી બિરદાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમગ્ર ટીમની કામગીરીની કેન્દ્રિય રાજ્યમંત્રીએ સરાહના કરી હતી. દિવ્યાંગ અને વૃદ્ધોને સમાજ કલ્યાણની યોજનાઓ અંતર્ગત આવરી લઈને મહત્તમ લાભ આપી તેમના જીવનમાં પરિવર્તન લાવવા કેન્દ્રિય રાજ્યમંત્રીએ સૂચના આપી હતી.
કચ્છમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકએ પોલીસની કામગીરી અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીને માહિતીગાર કર્યા હતા. બેઠકના અંતે કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટેના વિવિધ મુદ્દાઓની રજૂઆત ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કરી હતી. કેન્દ્ર અને રાજ્યની અનુસૂચિત જાતિની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ લેવા કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલે એ અનુરોધ કર્યો હતો.
આ સમયે કચ્છ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.