લોકભાષા-ભુજ :
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામમાં એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. મહિલા તલાટી ચંદ્રીકાબેન મગનભાઇ ગરોડાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને દેશલપર ગામમાં સર્વે નંબર-607 પૈકી (શ્રી સરકાર)ની જમીન પર નવું રેસ્ટોરન્ટ બનાવવા માટે મંજૂરી જોઈતી હતી. આ માટે 525 ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. જમીન ગૌચરની ન હોવાનો ગ્રામ પંચાયતનો દાખલો અને ઠરાવ આપવા માટે તલાટીએ મોબાઇલ મેસેજથી રૂપિયા 2,000ની લાંચની માંગણી કરી હતી. જેને પગલે 21 માર્ચના રોજ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. તલાટી ચંદ્રીકાબેન ગરોડાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 2,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તેઓ રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરતા સ્થળ પરથી જ ઝડપાઈ ગયા હતા. મોરબી એસીબી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. લાલીવાલા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી.


