લોકભાષા-ભુજ :
ભુજ – ભચાઉ હાઈવે પર ધાણેટી પાસે વહેલી પરોઢે ચાર વાગ્યે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં અમદાવાદથી ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે આવતી કાર સાથે સામેથી રોંગ સાઇડમાં ધસી આવેલા ટેન્કરના ચાલકે ધડકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં કાર સવાર યુવાનનું ગાડીમાં ચગદાઇ જતાં સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
પધ્ધર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદથી ચાર ઇલેકટ્રીશીય યુવાનો કારમાં બેસીને કોટડા ચકાર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ઇલેકટ્રીક કામ માટે ભુજ આવી રહ્યા હતા. ગુરૂવારે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં સામેથી આવી રહેલા ટેન્કરના ચાલકને જોકું આવી જતાં રોંગ સાઇડમાં ધસી આવીને કાર સાથે ધડાકાભેર ટકકર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો બુકડો બોલી ગયો હતો. ટેન્કર પલ્ટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં અમદાવાદના બાપુનગરમાં રહેતા 27 વર્ષીય મનિષભાઇ દિનેશભાઇ ગજેરાનું કારમાં જ દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. તેમજ અમદાવાદના નિકોલમાં રહેતા સાહિલ ભરતભાઇ વડાલીયા (ઉ.વ.23), સીટીએમમાં રહેતા વિશાલ સંતોષભાઇ પ્રસાદ (ઉ.વ.19) અને સુરેશભાઇ મંગરૂ સરોજ (ઉ.વ.32) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારમાંથી ઘાયલો ક્રેનની મદદથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ સાહિલ વડાલીયાની ફરિયાદ પરથી પધ્ધર પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

