લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સંબંધિત વિભાગોના વડાઓને ધ્રબ, મુન્દ્રા-કચ્છ સ્થિત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માળખાકીય સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે. ગાંધીધામ ચેમ્બરે પત્ર દ્વારા જણાવ્યું છે કે, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા, રસ્તાઓની ખરાબ સ્થિતિ, અપૂરતી સ્ટ્રીટ લાઇટિંગ, પાણી ભરાવાની સમસ્યા અને વાહન વ્યવહાર તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો ગંભીર બન્યા છે. આ સમસ્યાઓના કારણે સ્થાનિક ઉદ્યોગોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, ઉત્પાદન સામગ્રી અને મશીનરીને આર્થિક નુકસાન થાય છે, વાહનોની જાળવણી અને ઈંધણનો ખર્ચ વધી રહ્યો છે તેમજ કર્મચારીઓની સલામતી અને કાર્યક્ષમતા પર વિપરીત અસર પડી રહી છે.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું કે, ધ્રબ-મુન્દ્રા જીઆઈડીસીનું મહત્વ, અદાણી પોર્ટ અને અન્ય મોટા ઉદ્યોગોની નજદીકીને કારણે ખૂબ જ વધ્યું છે. આ વિસ્તાર હવે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે ઉભરી આવ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો મોટી કંપનીઓના પૂરક તરીકે વિકસી રહ્યા છે, જેના પરિણામે આ વિસ્તારના સમગ્ર આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન મળી રહ્યું છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ કે, આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું અત્યંત આવશ્યક છે. ચેમ્બર રાજ્ય સરકાર પાસેથી રસ્તાઓનું તાત્કાલિક સમારકામ, યોગ્ય સ્ટ્રીટ લાઇટિંગ સિસ્ટમની સ્થાપના અને વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવાની માંગ કરે છે.
મહેશ તીર્થાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ચેમ્બરે આ બાબતને પ્રાથમિકતા આપવા અને જરૂરી પગલાં લેવા માટે તાત્કાલિક આદેશ આપવાની વિનંતી કરી છે. વધુમાં, આ પરિસ્થિતિ કે સમસ્યા સાથે, ગાંધીધામ કે કચ્છની અન્ય જીઆઈડીસીઓની સમસ્યાઓ પણ અવાર-નવાર સામે આવી રહી છે, તે અંગે પણ પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગાંધીધામ ચેમ્બરે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સમાધાન શોધવા માટે એક સંયુક્ત સંવાદ સત્રનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે. મહેશ તીર્થાણીએ જણાવ્યું કે, અમે સરકારના પ્રતિનિધિઓ, સ્થાનિક વહીવટી તંત્ર, ઉદ્યોગપતિઓ અને ચેમ્બરના સભ્યો વચ્ચે એક ખુલ્લા સંવાદ સત્રનું આયોજન કરવા માંગીએ છીએ, જેમાં આ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી શકાય અને ઝડપી નિરાકરણ માટેના માર્ગો શોધી શકાય. અને તે માટે ગાંધીધામ ચેમ્બરના નેજા હેઠળ સહુને એકત્રિત કરવાની તૈયારી દર્શાવી, જણાવેલ કે, અમે ચેમ્બરના સભ્યોને આ સંવાદ સત્રમાં સક્રિય ભાગ લેવા અને પોતાના સૂચનો તથા અનુભવો રજૂ કરવા આમંત્રણ આપીએ છીએ. આ સહિયારા પ્રયાસથી જ આપણે આ પડકારોનો સામનો કરી શકીશું અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપી શકીશું તેમ ઉમેરેલ.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને આશા છે કે, સરકારશ્રી આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે ઝડપી પગલાં લેવાશે અને ઉદ્યોગોના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. જરૂર જણાય ત્યારે, ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત ફોલો-અપ કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવશે, જેથી ધ્રબ-મુન્દ્રા જીઆઈડીસી અને સમગ્ર કચ્છ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને યોગ્ય પ્રોત્સાહન સાથેનું પ્લેટફોર્મ મળી શકે, તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ હતુ.