લોકભાષા-ભુજ :
નખત્રાણા શહેરમાં કે.વી.હાઇસ્કુલ નજીક રોડ પરની ગોલાઇમાં ટ્રકની અડફેટે આવી જતાં નેત્રા ગામના બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવકના મૃત્યુથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
નખત્રાણા પોલીસ સ્ટેશનમાં મળતી વિગતો મુજબ બનાવ બુધવારે સાંજે છ વાગ્યાના અરસામાં આયુષ હોસ્પિટલ અને એક્સીસ બેન્કની સામેના રોડ પર બન્યો હતો. નેત્રા ગામે રહેતા સલીમ હારૂન રાયમા (ઉ.વ.30) પોતાના કબ્જાની મોટર સાયકલ લઇને નખત્રાણાથી નેત્રા જવા નીકળ્યો હતો. ત્યારે કે.વી. હાઇસ્કુલ રોડ પાસેની ગોલાઇમાં સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત થતાં જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. હતભાગીને 108 એમ્બ્યુલન્સ મારફતે નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નખત્રાણા પોલીસે મરણ જનારના મિત્ર અનવર ઓસમાણ સાટી નોંધાવેલી જાણવા જોગ નોંધ પરથી ઘટના સબંધીત આગળની તપાસ નખત્રાણા પોલીસ મથકના જશરાજભાઈ એન. ચરણે હાથ ધરી છે.

