લોકભાષા-ભુજ :
નખત્રાણા શહેરના વથાણ ચોકમાં ટ્રાફિક સમસ્થાને લઇ અવાર નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તંત્ર પાસે બાયપાસ રોડ માંગ કરાઇ છે. તેમ છતાં કોઇ નકર કાર્યવાહી કરવામાં ન આવતાં આ માર્ગ પર અને લોકોની જીંદગી હોમાઇ ગઇ છે. તેવામાં શનિવારે વથાણ ચોકમાં ટ્રકની અડફેટે આવી જતાં એક્ટિવા પર જઇ રહેલા જૈન અગ્રણી વેપારી નરેન્દ્રભાઇ ત્રંબકલાલ મહેતાનું ઘટના સ્થળે જ કંમકમાટી ભર્યું મોત થતાં અરેરાટી સાથે શોકનો માહોલ ફેલાઇ ગયો છે. જૈન સંઘના ટ્રસ્ટીના મોતના સમાચાર મળતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જુનાવાસમાં ચિંતામણી ટ્રેડર્સ નામે અનાજ રસકસની દુકાન ધરાવતા નરેન્દ્રભાઇ ત્રંબકલાલ મહેતા (ઉ.વ.64)ના દિકરીના લગ્ન હોઇ બહાર ગામથી ખાનગી બસમાં આવેલા મહેમાનો લેવા શનિવારે પોણા બાર વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવા લઇને વથાણ ચોક તરફ ગયા હતા. ત્યાથી પરત ઘરે ફરતી વખતે વથાણ ચોકમાં જ ટ્રકની અફફેટે આવી જતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મૃતક હતભાગી નખત્રાણાના જૈન અગ્રણી અને જૈન સંઘના ટ્રસ્ટી હતા. તેમના મોતના સમાચારથી લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કરી છે.
તસ્વીર : રાજેશભાઈ જોષી

