લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી પરથી નખત્રાણા નવાનગરમાં આવેલા રહેણાકના મકાનમાં છાપો મારીને 62 વર્ષના પ્રૌઢને રૂપિયા 4,845ની કિંમતના 1,615 કિલો ગ્રામ પોષડોડા માદક પ્રદાર્થ સાથે ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં અજાણ્યા શખ્સ પાસેથી ખરીદી કરીને વેચતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. એસઓજીએ આરોપી વિરૂધ્ધ નખત્રાણા પોલીસ મથકે એનડીપીએસનો ગુનો દાખલ કરાવીને આગળની તપાસ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી એસઓજીની ટીમના એએસઆઇ માણેકભાઇ ગઢવી અને જોરાવરસિંહ જાડેજાને સયુંક્ત બાતમી મળી હતી કે, નખત્રાણા નવાનગરમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મહેન્દ્રભાઇ લક્ષ્મીદાસ સોની નામના વ્યક્તિ પોતાના ઘરમાં માદક પદાર્થ રાખીને વેચ સાટ કરે છે. જેથી એસઓજીની ટીમે રહેણાકના મકાનમાં દરોડો પાડીને મહેન્દ્રભાઇ સોનીને રૂપિયા 4,845ની કિંમતના 1,615 કિલો ગ્રામ પોષડોડાના પડીકાઓ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીએ પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, અજાણ્યો વ્યક્તિએ મોબાઇલ ફોનથી વાત કરીને ટ્રાવેલ્સ બસમાં પોષડોડાનું પાર્સલ મોકલતો હતો. તે વેચીને અજાણ્યા શખ્સને મોબાઇલ મારફતે રૂપિયા મોકલી આપતો હતો. અગાઉ પણ એ અજાણ્યા શખ્સે પોષડોડા મોકલાવેલા હોઇ તે વેચીને તેને રૂપિયા મોકલાવ્યા હતા. એસઓજીએ આરોપી વિરૂધ નખત્રાણા પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાવીને અજાણ્યા શખ્સના મોબાઇલ નંબરના આધારે ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

