પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્યદિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી.
આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૬માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નત મસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું.
કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત વિકાસના પથ પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે. જેના ફળરૂપે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે. વિકાસના રોલમોડેલ બનેલા ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન છે. હસ્તકલા, પ્રવાસન, ઉદ્યોગ, ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રમાં કચ્છ જિલ્લો અગ્રેસર બન્યો છે. જેમાં UNWTO દ્વારા ધોરડોને બેસ્ટ ટૂરીઝમ વિલેજ, યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ માટે દુનિયાના ૭ સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવન અર્થેક્વેક મ્યુઝિયમનો સમાવેશ તથા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. જે કચ્છની ધરતીનો વિકાસ દર્શાવે છે.
આ પ્રસંગે કલેક્ટર વધુમાં ઉમેર્યું હતું કે, એકસમયે દુકાળનો જિલ્લો ગણાતો કચ્છ જિલ્લો આજે ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે. પિયતની સગવડના કારણે કચ્છે ખેતી ક્ષેત્રે પણ કાઠું કાઢયું છે. કચ્છી દેશી ખારેક જીઆઇ ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે. ફળપાકોમાં કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે ઉભરી આવ્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતીમાં ૪૬ હજારથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે. કેસર કેરી, દાડમ, કમલમ, ખારેક વગેરેની વિદેશમાં નિકાસ થાય છે. રાજ્ય સરકારના પ્રયાસના કારણે કચ્છની બન્ની ભેંસ, ખારાઇ ઊંટ, કચ્છી-સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ છે. જેનાથી પશુઓની વેચાણ કિંમત વધતા માલધારીઓને આર્થિક ફાયદો થયો છે.
આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જયો હતો. પોલીસ ડૉગ શો, દેશભક્તિ ગીતો, અભિનય ગીતો, ફોજી નૃત્ય, સમૂહ નૃત્યની પ્રસ્તૃતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઇ હતી. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા.
જિલ્લાકક્ષાની ઉજવણીમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. કલેક્ટર દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂ. ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો.
આ તકે દેશભકિતના રંગથી રંગાયેલ કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, ત્રિકમભાઇ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથાર, મામલતદાર બી.આર.શાહ, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર સહિત અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યુ હતું.