લોકભાષા-નખત્રાણા :
નખત્રાણાની મુખ્ય બજાર ઉપર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કંપનીઓના વાહનો દિવસે પણ પસાર થતા સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં વહીવટી તંત્ર કે પોલીસ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે
માતાના મઢ જતા પદયાત્રીઓ, મોટા વાહનો, રખડતા ઢોર તથા આડેધડ વાહનોના ખડકલાને કારણે નખત્રાણા બસ સ્ટેન્ડથી વથાન સુધી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે આ સમસ્યામા નાના વાહન ચાલકો તથા વટે માર્ગુઓ પદયાત્રીઓને ભારે પરેશાની વેઠવી પડે છે.
ભારે વાહનોને પ્રવેશ બધી હોવા છતાં આ વાહનો પસાર થઈ રહ્યા છે અને તેના કારણે ટ્રાંફિક સમસ્યા વધુ વકરી રહી છે. નખત્રાણાની આ કાયમી સમસ્યાનો હલ ક્યારે આવશે તેવો સવાલ લોકો પુછી રહ્યાં છે માથાના દુખાવા રૂપ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે.

હાલમા માતાના મઢ જતા પદયાત્રીઓ પણ આ માર્ગ પરથી પસાર થાય છે ત્યારે સવારથી મોટા વાહનો પસાર થતા પદયાત્રીઓની સમસ્યામા પણ વધારો થઈ રહ્યો છે. આવા ભારે વાહનોને કારણે નાના મોટા અકસ્માતો પણ રોજીંદા બન્યા છે તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે.
નખત્રાણાના આ માર્ગ ઉપર જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાને કડક અને કાયદેસર રીતે લાગુ કરવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ આવે તેમ છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ અગમ્ય કારણોસર આંખા આડા કાન કરીને જિલ્લા કલેકટરના જાહેરનામાનું પણ ઉલ્લંઘન થતું હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં પણ અસંતોષ સાથે આક્રોશની લાગણી વ્યાપી છે આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી લોકો અને હાલમાં માતાના મઢે જતા પદયાત્રીઓ માટે ટ્રાફિક સમસ્યા ઉકેલે તે આવશ્યક છે



