લોકભાષા-ગાંધીધામ :
નખત્રાણામાં દંપતી સાથે છેતરપીંડી કરી સોના ચાંદીના આભૂષણો અને રોકડ રૂપિયા લઈ જનાર ઠગ ટોળકીને નખત્રાણા પોલીસે બનાસકાંઠાના થરાદમાંથી ઝડપી પાડી હતી તેમના કબજામાંથી આશરે 11 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા નખત્રાણા પોલીસ મથકે મહિલા દ્વારા પોતાની સાથે ખેતરપિંડી કરી આભૂષણો અને રોકડા રૂપિયા બે લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ કરી હતી આ અંગે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ ગુનાના આરોપીઓ બનાસકાંઠાના થરાદમાં હોવાનું જાણવા મળતા પશ્ચિમ કચ્છ એલસીબીના ટેકનિકલ સ્ટાફની મદદ લઈ આરોપીઓના લોકેશન મેળવ્યા હતા અને લોકેશન બાદ એક ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા થરાદ પહોંચી હતી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેની પૂછપરછ દરમિયાન આ ગુનામાં તેમની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી જ્યારે એક આરોપીની નખત્રાણાથી અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે નખત્રાણા પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ આરોપીઓ કેસનાથ જાફરનાથ વાદી ઉંમર વર્ષ 39 રહે. મૂળ વાદીનગર ભચાઉ હાલે જાગરીયા વાસ દયાપર તથા બાંડિયા તાલુકો અબડાસા, સાવનનાથ ઉર્ફે નેનુનાથ સુમરનાથ વાદી ઉંમર વર્ષ 21 રહે. મૂળ વાદીનગર ભચાઉ હાલે બાંડિયા તાલુકો અબડાસા બિછાનાથ સાહેબનાથ વાદી ઉંમર વર્ષ 35 રહેવાસી વાદીનગર ભચાઉ હાલે બાંડિયા તાલુકો અબડાસા અને દેવનાથ ઉર્ફે નૈનનાથ વાદી ઉંમર વર્ષ 26 રહેવાસી મૂળ વાદીનગર ભચાઉ હાલે બાંડીયા તા. અબડાસાને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓના કબજામાંથી સોના ચાંદીના આભૂષણો કુલ કિંમત રૂપિયા 74,700 રોકડ 2 લાખ, મહિન્દ્રા કંપનીની થાર ગાડી નંબર જીજે 18 એઈ 6446 કિંમત રૂપિયા આઠ લાખ તથા મોબાઈલ નંબર ત્રણ કિંમત રૂપિયા 35000 મળી કુલ 1109700નો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે ચારે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ ગુનામાં સંડોવાયેલા આરોપી કેસનાથ વાદી વિરુદ્ધ દયાપર પોલીસ મથકે ચાર ગુના નોંધાયા છે જ્યારે બીછાનાથ વાદી વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે એક ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ આરોપીઓ સાધુના વેશમાં ઘરે જઈ ઘરની સ્થિતિ જાણી તેમની વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરે છે.