લોકભાષા-ભુજ :
હાજીપીર બાબાની દરગાહ તરફનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસમાર હાલતમાં છે. સરહદને જોડતા મહત્વના આ માર્ગનું નવીનીકરણ હાથ ધરાય તે માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતોના અંતે આજે નરા ફાટક નજીક ચક્કાજામનું આગોતરું એલાન આપ્યું હતું. જે અંગે રસ્તા પર ઉતરેલા ગ્રામજનોને પોલીસના અધિકારીઓએ ચક્કાજામ ના કરવા સમજાવટ કરી હતી આ દરમિયાન લુડબાય ગામના સરપંચ અને ત્યારબાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના કુલ 24 આગેવાંનોની અટકાયત કરી લઈ પોલીસે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
આ અંગે લુડબાય ગામના સરપંચ જબ્બાર જતે કહ્યું હતું કે અનેક વર્ષોની રજૂઆત છતાં હાજીપીર માર્ગ બનવવવામાં આવતો નથી. આ પહેલા 16 કિમિ માર્ગ બન્યો ત્યાર બાદનો માર્ગ ખાનગી એજન્સીએ અધુરો છોડી મુક્યો છે. જે અંગે સપ્તાહ પૂર્વે ભુજ કલેકટર કચેરીએ ગ્રામજનો સાથે લેખિત રજૂઆત કરી સપ્તાહમાં કામ અંગે નિર્ણય જાહેર કરવા તંત્રને અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ તંત્રનો કોઈજ પ્રતિસાદ ના મળતા આજે નરા ફાટક પાસે જાહેરાત મુજબ ભારે વાહનો અટકાવવામાં આવ્યા હતા અને દોઢ કલાક જેટલા સમય સુધી ગ્રામજનો દ્વારા માર્ગ બંધ રખાયો હતો. દરમિયાન નરા પીએસઆઇ વિડી ગોહિલે જણાવ્યું હતું કે ગ્રામજનો પાસે ધરણા અંગેની મંજૂરી ના હોય 24 આગેવાનીની સ્થળ અટકાયત કરી બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા.


