લોકભાષા-ભુજ :
હાલમાં કડકડતી ઠંડી વચ્ચે શહેરીજનો શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા,કસરત,વોકિંગ કરતા હોય છે. ભુજમાં છતરડી ફરતે આવેલા વોક વે માં દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો વોકિંગ માટે આવે છે. શહેરમાં એકમાત્ર હરવા ફરવાના સ્થળ સમાન આ વોક વેમાં પાલિકા લોકોને પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકી નથી.જેથી વોકર્સમાં પણ નારાજગી ફેલાઈ રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,ભુજ નગરપાલિકા દ્વારા વોક વે રિનોવેશનનું કામ હાથ પર લેવાયું પણ કેવા મુહૂર્તમાં કામ ચાલુ કર્યું કે પૂરું થતું જ નથી. વાદવિવાદો વચ્ચે હાલમાં કામમાં ગતિ આવી છે જેમાં ઉમેદનગર તરફના ગેટથી લઈ ખેંગાર પાર્ક સુધી જુના પેવર બ્લોક ઉખાડી નવા લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.બાકીના વિસ્તારમાં નવા પેવર બ્લોક લાગી ગયા છે પરંતુ જોવા જઈએ તો આખાય વોક વેમાં ક્યાંય લાઈટ જ નથી.શિયાળાના કારણે સાંજે 6 વાગ્યા બાદ અંધારું થઈ જાય છે અને સાંજે મોટી સંખ્યામાં યુવતીઓ,મહિલાઓ, વડીલો અહીં આવતા હોય છે પરંતુ લાઈટ ન હોવાના કારણે સતત અસલામતીનો અહેસાસ થાય છે તેમજ અંધારાના કારણે પડી જવાનો ડર પણ રહે છે. વોકર્સ પોતાના મોબાઈલમાં ફ્લેશલાઇટ ચાલુ કરીને વોકિંગ કરતા નજરે પડે છે.એક તરફ પાલિકા દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે વોક વેને ડેવલપ કરવામાં આવી રહ્યું છે.પરંતુ આ કામ એટલી મંથર ગતિએ ચાલી રહ્યું છે જો આમને આમ રહ્યું તો આવતા શિયાળા સુધી પણ વોકવે શહેરીજનો માટે ચાલવા લાયક નહીં રહે.કમસેકમ અલગ અલગ વિસ્તારોમાં હેલોજન ગોઠવવામાં આવે તો પણ વોકર્સને થોડો ઘણો ફાયદો થાય તેમ છે.આ વોક વે પર બારેમાસ લોકોની અવરજવર હોય છે ત્યારે નગરપાલિકા લોકોની સવલત બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવે તે પણ હિતાવહ છે.

