લોકભાષા-ભુજ :
મુંદરા તાલુકાના નાના કપાયા ગામે ગટરના નાલામાં પાણીમાં 25 વર્ષીય યુવતીનો ગળામાં કસીને કપડું બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મુંદરા પોલીસ મૃતકની ઓળખ સાથે ઘટનાનો ભેદ ઉકેલવા તપાસ તેજ કરી છે. તો, નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે સીમ વિસ્તારમાં 32 વર્ષીય યુવકે તો, લૈયારી ગામે 18 વર્ષના યુવાને ઝાડ પર લટકી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નાના કપાયા ગામે શુભમ પેટ્રોલપંપની પાછળના ભાગે એલ.એન્ડ ટી. કોલોની પાછળ આવેલ ગટરના વહેણના પાણીમાંથી ગુરૂવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં અજાણી 25 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી. મુંદરા પોલીસે જણાવ્યું હતું કે, હતભાગી મૃતક યુવતીના શરીર પર મોઢા પર કાળા કલરનો દુપટ્ટો વિટાળેલો છે. તેમજ ગળામાં સફેદ કલરનું કપડુ કસીને બાંધી બે ગાંઠ મારેલી છે. જમણા હાથે જ્યોતિ લખેલું છે. ડાબા હાથે પંજા ઉપર હથેળીની બાજુમાં અંગ્રેજીમાં કનૈહયા ત્રોફાવેલ છે. અને કાંડાથી કોણી સુધીના વચ્ચેના ભાગમાં હાથ ઉપર છુંદણાથી દિલ દોરેલું છે. જેની વચ્ચે અંગ્રેજીમાં લવ લખેલ છે. બીજી બાજુ અંગ્રેજીમાં એસ ત્રોફાવેલો છે. હાથની આંગડીમાં વીટીમાં અંગ્રેજીમાં કેજે છે. આ પરથી આ અજાણી મૃતક યુવતીનું નામ જ્યોતિ હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. હાલ યુવતીની ઓળખ થઇ નથી પરંતુ યુવતીનું મોત કઇ રીતે થયું તે અહીં કેમ આવી તે સહિતના મુદાઓને લઇ મુંદરા પોલીસે તપાસ તેજ કરી છે. તો, બીજીતરફ નખત્રાણા તાલુકાના ઘડાણી ગામે રહેતા કુંભાર ઉમર કાસમ નામના યુવકે બુધવારે મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરથી થોળે દુર આવેલા લીંબડાના ઝાડ પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇને યુવકના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. જ્યારે નખત્રાણા તાલુકાના લૈયારી ગામે રહેતા સલીલાલ ખીરા કોલી નામના યુવાને મંગળવારે રાત્રે દસ વાગ્યે ગામની સીમમાં બાવડની ઝાડીમાં રસ્સી વળે ફાંસો ખાઇ લીધો હતો. હતભાગીને નલિયા સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નિરોણા પોલીસે બનાવ અંગે આગળની તપાસ કરી છે.

