લોકભાષા-ભુજ :
ભુજ શહેર ટ્રાફિક સમસ્યા તેમજ પાર્કિંગ પ્લોટો પર દબાણ થકી પ્રજા ભારે મુશ્કેલી વેઠી રહી છે. ઉપરાંત શહેરના માર્ગો વરસાદને ખાડાખૂબડ ગ્રસ્ત થઇ ગયા જેને કારણે આમ જનતાનો ખો લેવાઇ ગયો છે. તે વચ્ચે પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ એસપી વિકાસ સુંડા શહેરમાં બાઇકથી પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે તેમને ધ્યાને આવ્યું કે, સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા અને કેટઆઇઝ લગાવામાં આવ્યા નથી. જેથી તાકિદે જિલ્લા ટ્રાફિક પોલીસને શહેરના 64 જેટલા સ્પીડ બ્રેકરો પર કામગીરી કરવા સુચના અપાતાં તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સુચનાને પગલે જિલ્લા ટ્રાફિક સબ ઇન્સ્પેકટર ડી.જે.સરવૈયાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં 64 જેટલા સ્પીડ બ્રેકરો પર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં બુધવારની રાત્રીથી જ્યુબીલી સર્કલથી રીલાયન્સ સર્કલ સુધીના 14 સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાવવામાં આવ્યા હતા. તે સાથે જ્યુબીલી સર્કલથી પ્રિન્સ રેસીડન્સી, જ્યુબીલી સર્કલથી બસ સ્ટેશન અને ખેંગાર પાર્ક તથા મંગલમ ચાર રસ્તા તેમજ આત્મારામ સર્કલથી આર.ટી.ઓ.સર્કલ અને રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર કુલે 64 જેટલા સ્પીડ બ્રેકરો આવેલા છે. તે તમામ પર સફેદ પટ્ટા લગાવવાની કાર્યવાહી સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું જિલ્લા ટ્રાફિક પીએસઆઇએ જણાવ્યું હતું.

