લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છમાં ઇન્ચાર્જ બાદ વિધિવત પોલીસ અધિક્ષકનો ચાર્જ સંભાળનાર એસપી વિકાસ સુંડાએ શુક્રવારે જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા 189 પોલીસ કર્મચારીઓની એક સાથે આંતરીક બદલીના ઓર્ડર જાહેર કર્યા હતા. જેમાં લાંબા સમયથી ભુજ શહેરમાં અને તાલુકાના પોલીસ મથકે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી જિલ્લાના છેવાડાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતાં પોલીસ દળમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને એલઆર કર્મચારીઓની એક સાથે બદલીના ઓર્ડરો જાહેર કરાયા છે. પશ્ચિમ કચ્છ વિભાગના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ શાખામાં ફરજ બજાવતા કુલ 189 પોલીસ કર્મચારીઓ સમાવેશ થયો છે. જેમાં મલાઇવાળા પોલીસ મથકમાં લાંબા સમયથી ચીપકીને બેઠેલા પોલીસ કર્મચારીઓને કચ્છના છેવાળાના સરહદી વિસ્તારના પોલીસ સ્ટેશનનોમાં બદલી કરી દેવામાં આવી છે. જેમાં ભુજ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, માનકુવા, પધ્ધર, માધાપર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને દયાપર, જખૌ, જખૌ મરિન, વાયોર, નારાયણસરોવર પોલીસ મથકમાં બદલી કરી દેવાઇ છે. તો, છેવાડાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ભુજ વિભાગના પોલીસ મથકોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક જ પોલીસ મથકમાં લાંબા સમયથી ચીપકીને બેઠેલા કર્મચારીઓની બદલી અંગેના ભણકારા વાગી રહ્યા હતા. તેવામાં એસપીએ એક સાથે 189 પોલીસ કર્મીઓની સાગમાટે બદલી કરી દેતાં પોલીસ દળમાં હડકંપ મચી જવા પામ્યો છે.

