લોકભાષા-ભુજ :
વિશ્વ સંસ્થા યુનેસ્કો દ્વારા ૨૬મી જુલાઈના દિવસને ‘’વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ’’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ૨૬ જુલાઈ ૨૦૨૪ના રોજ કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ દ્વારા વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ દ્વારા નારાયણ સરોવર ખાતેની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિશ્વ મેન્ગ્રુવ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો તથા શિક્ષકો તેમજ વન વિભાગના સ્થાનિક અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તથા ગામલોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં મેન્ગ્રુવ (ચેર) અંગેની સમજ આપીને ચેરના પર્યાવરણ તથા માનવજીવન અને દરિયાઈ જીવસૃષ્ટિ સહસબંધને સમજાવવાનો હતો. ચેરના વૃક્ષની માનવજીવન માટે વિવિધ ઉપયોગીતા બાબતે વિવિધ વક્તાઓ દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી હતી.
લોકોમાં ચેર અંગે જાગૃતતા આવે અને તેના મહત્વ વિશે સરળતાથી સમજી શકાય તે માટે ખાસ તૈયાર કરાયેલા મેન્ગ્રુવ રથનું નારાયણ સરોવર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ મેન્ગ્રુવ રથને ગામડાઓમાં લોકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો.
હાલમાં ગુજરાત તથા સમગ્ર કચ્છમાં દરિયાઈ વિસ્તારમાં મેન્ગ્રુવના જંગલોના વિકાસ માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. દરિયાઈ વિસ્તારમાં મેન્ગ્રુવ જંગલોના સંવર્ધન અને સંરક્ષણ જેવા પ્રયત્નો થકી મેન્ગ્રુવ વિસ્તારમાં નોઁધપાત્ર વધારો થયો છે. આમ ૨૬મી જુલાઈના દિવસને ‘’વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ’’ તરીકે ઉજવીને લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ કચ્છ પશ્ચિમ વન વિભાગ ભુજ દ્વારા કરવામાં આવ્યો હતો.