લોકભાષા-ભુજ :
એલસીબી પોલીસે માંડવી તાલુકાના પાંચોટીયા ગામના તળાવ નજીક મોટી કાર્યવાહી કરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે બાવળની ઝાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દરોડામાં રૂપિયા 30 હજારની કિંમતનો 1200 લીટર તૈયાર આથો જપ્ત કર્યો હતો અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
એલસીબી પીઆઇ એસ.એન. ચુડાસમાની સૂચના મુજબ પેટ્રોલિંગમાં રહેલી ટીમના પ્રદ્યુમનસિંહ ગોહિલ અને વાલા ગોયલાને મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી વિશ્રામ ઉર્ફે પપ્પુ કલ્યાણ ગઢવી ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં માંડવી બીચ પર અંગ્રેજી દારૂ વેચાણનો એક જૂનો વીડિયો વાઈરલ થયો હતો, જેના સંદર્ભમાં એલસીબીએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હાલ માંડવી પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

