લોકભાષા-ભુજ :
જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત કચ્છના ધારાસભ્યઓએ લોકોને સ્પર્શતા વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ખેડૂતોની વાડીમાંથી ટ્રાન્સફોર્મર ચોરી તેમજ વાયર ચોરી અંગેના કેસોમાં કાયદાકીય પગલા લેવા અને ઝડપથી ફરિયાદ દાખલ કરવા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભચાઉના લખાવટ ગામે સ્કૂલ ઉપરથી પસાર થતી વીજ લાઈનને દૂર કરવા, ભૂકંપ બાદ ફાળવાયેલા પ્લોટને જૂની શરતો મુજબ ફાળવવા, લાકડીયા ગામે ખાનગી કંપની દ્વારા રોડ ઉપર દબાણ અને ગૌચર દબાણ સહિતના મુદ્દાઓની રજૂઆત કરી હતી.
ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભાડાના સૂચિત રસ્તાઓના પ્લાન અને માલિકીના પ્લોટના વળતર અંગે રજૂઆત કરી હતી. ભુજ ધારાસભ્યએ નખત્રાણાના ધીણોધર થાન વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ટોલબૂથનું અંતર, લીલાશાહ ફાટકના કામકાજની પ્રગતિ, કેરા બળદિયા બાયપાસ, ખેડોઈ-લાખાપર ખાતે બેંક સુવિધા, ચેકડેમ મરામ્મત, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા સહાય વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી.
માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ રેવન્યુ જમીન ઉપર વૃક્ષછેદન અંગે કાયદાકીય કાર્યવાહી, ફળ પકવવા માટેના વિવિધ કેમિકલને લઈને ફૂડ ડ્રગ્સ વિભાગની કામગીરી, ગૌચર જમીન, ગેરકાયદેસર માંસ મટનની દુકાનો, બિદડા ગામે જમીન સંપાદન, સાભરાઈ મોટી રસ્તાનું કામ, જનકપુર ગામે પીવાના પાણીની યોજના, ડેપા ગામે વાસ્મો આધારિત પાણીની વિતરણ વ્યવસ્થા, ધ્રબ અને વડાલા ગામે પાણીની ટાંકીનું નિર્માણ, ફાચરીયા સહિતના ગામોની સંયુક્ત પાણી પુરવઠા યોજના, પીવાના પાણીના ગેરકાયદેસર કનેક્શન, મનરેગાના કામોમાં વિલંબ, માંડવી અને મુન્દ્રામાં કેનાલોના કામો, આધારકાર્ડની કામગીરી, વીસી કર્મીઓને પેમેન્ટની ચૂકવણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.
પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જવાબ મેળવીને ઝડપથી ઉકેલ લાવવા તાકીદ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને અગ્રતા આપીને નાગરિકોને કોઈ જ અગવડતા ના પડે દિશામાં કામગીરી કરવા તમામ અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.