લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ-કંડલા બંદર વિસ્તાર એક મહત્વપૂર્ણ આર્થિક ઝોન છે, જ્યાં છેલ્લા દાયકામાં વસ્તી અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે, પૂર્વ કચ્છના આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતા ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી પોસ્ટલ સેવાઓની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, અમદાવાદ સ્થિત મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ સમક્ષ પત્ર પાઠવી પોસ્ટલ સેવાઓની ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા અપીલ કરાઇ છે.
આ અંગે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવેલ કે, સંકુલની પોસ્ટલ કચેરીની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો, અંદાજે ૧૫ જેટલા પોસ્ટમેનની જગ્યાએ માત્ર ૪ પોસ્ટમેન કાર્યરત છે તેમજ, વહીવટી કચેરીમાં પણ ૧૨ જેટલી જગ્યાઓની જરૂરિયાત સામે માત્ર ૭ કર્મચારીઓ કાર્યભાર સંભાળતા હોઈ, ઓછા સ્ટાફને કારણે કર્મચારીઓ પર સતત કામનું અસહ્ય ભારણ બની રહે છે, જો આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેવા પામશે તો, સતત કામના દબાણને કારણે કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃતિ લેવા પણ મજબૂર થઈ શકે છે અને તો હજુ પણ આ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.
ચેમ્બર પ્રમુખએ વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિ માત્ર પોસ્ટલ સેવાઓની નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને અસર કરી શકે છે અને અમે સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની અપેક્ષા રાખીએ છીએ. જે કારણે નાગરિકોને ટપાલ વિતરણમાં વિલંબ, વ્યાપારિક પત્રવ્યવહારમાં વિક્ષેપ, બેંકિંગ અને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી, સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજો મેળવવામાં વિલંબ થઈ રહેલ છે. તે દ્વારા ઉદ્ભવતી અસુવિધાઓ અંગે વિભાગનું ધ્યાન દોરાયું છે.
ચેમ્બરના માનદ્ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, માંગની જરૂરિયાત અને વિસ્તારની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોસ્ટલ સેવાઓનું આધુનિકીકરણ અને વિસ્તરણ હાલના તબક્કે અત્યંત આવશ્યક છે. આ માટે અમે સંબંધિત અધિકારીઓ સમક્ષ સતત માંગ ઉઠાવી રહ્યા છીએ.
માનદ્ મંત્રી મહેશ તીર્થાણીએ વધુમાં ઉમેર્યું હતું કે વધતી વસ્તી અને વિસ્તરતા વ્યાપારને કારણે પોસ્ટલ સેવાઓની માંગમાં એક તરફ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ, એક જ સંકુલમાં પાંચ પોસ્ટ ઓફિસ (ગાંધીધામ, ઉદયનગર-ઈફકો, કાસેઝ, ગોપાલપુરી પોર્ટ કોલોની) ને સમાવવાથી કાર્યભાર વધી રહ્યો હોઈ, આ પાંચ પોસ્ટ કચેરીઓના અલગ અલગ પિન કોડ હોતાં સર્જાતી સમસ્યા અને વિલંબ નિવારવા એક જ વિતરણ ઝોનમાં આવરી લેવા પણ રજૂઆત કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક અને વ્યાપારિક વિકાસને અનુરૂપ માળખાકીય સુવિધાઓની જરૂરિયાતને ધ્યાને રાખી, ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવા, નવા એક જ વિતરણ ઝોન્સની રચના કરવા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારવા, કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા તાલીમ કાર્યક્રમો યોજવા, તેમજ પોસ્ટલ સેવાઓનું વિકેન્દ્રીકરણ ના તાત્કાલિક ઉપાયો યોજવા જરૂરી જણાય છે. તેમજ આ અંગે ત્વરિત કાર્યવાહી કરવા પત્ર પાઠવી અપીલ કરાઇ છે, તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ હતું.

