લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે, ફરીથી સરકાર અને સંબંધિત અધિકારીઓને પૂર્વ કચ્છમાં સીએનજી સ્ટેશનની તાત્કાલિક સ્થાપનાની અપેક્ષા સાથે ગંભીર રજૂઆત કરી છે. આ વિસ્તારના ઉદ્યોગો અને સ્થાનિક જનતા માટે સીએનજીની સુવિધાઓના અભાવને કારણે ઉભી થયેલી તકલીફોને ધ્યાનમાં લેતા, ચેમ્બર આ સમસ્યાનો તરત ઉકેલ લાવવા અપીલ કરી
રહી છે.
ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે વિસ્તારના ઉદ્યોગો અને નાગરિકો આગળ પડતી સમસ્યાઓ અંગે જણાવ્યું હતું કે, પુર્વ કચ્છ, ખાસ કરીને ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તારોમાં, ઘણા મોટા લોજિસ્ટિક અને ઉદ્યોગ સંકુલો સ્થિત છે, જે દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને મશીનો માટે સીએનજીની જરૂરિયાત ધરાવે છે. આ ઉપરાંત, આ વિસ્તારનો વ્યાપારી અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધી રહ્યો છે, અને તેથી પરિવહન માટે સ્વચ્છ અને સસ્તા સીએનજીનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણી એ જણાવ્યા અનુસાર ઉદ્યોગોને પડતી અસર અંગે ઉદ્યોગપતિઓની રજૂઆત ને ધ્યાને લેવાતી ના હોઈ તેમજ, સીએનજી સ્ટેશનોની અને ઉપલબ્ધતાને કારણે પરિવહન ખર્ચમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. જે કારણે, દૂર સુધીની મુસાફરીમાં કે આવકની સામે નફામાં ઘટાડો થઈ રહ્યો છે, અને ઉદ્યોગોની કાર્યક્ષમતામાં પણ ઘટાડો નોંધાયો છે. સીએનજી પર આધારિત મશીનો અને વાહનો લાંબા અંતર સુધી જતા હોવાથી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં વિલંબ પણ વધી ગયો છે, જે કચ્છના ઉદ્યોગો માટે એક મોટી નુકસાની નું કારણ બની રહેલ છે.
ઉલ્લેખનીય છે કે, સીએનજી માત્ર ઉદ્યોગ માટે સસ્તું ઈંધણ નથી, પણ તે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે. તેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને હવામાં પ્રદૂષણ ઓછું થાય છે. કચ્છના ઉદ્યોગો માટે સીએનજી સ્ટેશનની સુવિધાઓ મહાન ફાયદો પૂરી પાડે છે, જે તેમના કામગીરીમાં કાર્યક્ષમતા વધારવા ઉપરાંત પર્યાવરણના સંરક્ષણમાં પણ યોગદાન આપે છે.
કચ્છના જ પશ્ચિમ વિભાગમાં કે રાજ્યના અન્ય વિકસિત વિસ્તારોમાં સીએનજી સ્ટેશનોના સ્થાપન થવા છતાં, પૂર્વ કચ્છમાં એવી કોઇ સુવિધા આટઆટલો વિકાસ થયો હોવા છતાં અને સતત રજૂઆતો છતાં સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેનાથી ઉદ્યોગો અને નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા રહ્યા છે. આ સ્થિતિમાં સીએનજી સ્ટેશનોની સ્થાપના અત્યારે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.
પાછલી રજૂઆતો અને જીસીસીઆઈની પુનઃ માંગ અંગે માનદ મંત્રી મહેશ તીર્થાણી એ ઉમેરેલ કે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે અગાઉ પણ આ પ્રશ્નને ઉઠાવ્યો હતો અને સીએનજી સ્ટેશનની સ્થાપના માટે સરકારને રજૂઆત કરી હતી. છતાં, કચ્છમાં આ દિશામાં કોઈ પ્રગતિ ન થતાં, ચેમ્બરે ફરી એકવાર સરકારને આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો અનુરોધ કરેલ છે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવું હવે અનિવાર્ય બની રહેલ હોય ગંભીર પ્રયત્નો સાથે દરમ્યાનગીરી કરવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને પણ અપીલ કરાઇ છે.
ગાંધીધામ ચેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય સંબંધિત અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ આ પ્રશ્નને અત્યંત મહત્વ આપી તાત્કાલિક પગલાં ભરે. કચ્છના ઉદ્યોગો માટે સીએનજી સ્ટેશનોની સ્થાપના સિવાય બીજી કોઈ વિકલ્પ નથી, જેથી ઉદ્યોગોની પ્રગતિ, કાર્યક્ષમતા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે આ અનિવાર્ય છે. જીસીસીઆઈ કચ્છના ઉદ્યોગો અને વાણિજ્યના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ચેમ્બરનો હેતુ આ વિસ્તારના ઉદ્યોગોને સર્વોત્તમ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂ પાડીને ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવાનો છે. જેના અનુસંધાને દિલ્હી સ્થિત મંત્રાલયમાં પણ આ બાબતે ચેમ્બરના કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી એ રૂબરૂ મુલાકાત કરેલ ત્યારે પણ આ સમસ્યાનું નિવારણ લાવવા હૈયાધારણા અપાયેલ, તેમ અંતમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

