લોકભાષા-ભુજ :
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે અને આ હુમલાઓ બંધ થાય તેવી માંગ સાથે આજે જિલ્લા મથક ભુજ શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ કચ્છના નેજાં હેઠળ વિશાળ સભા યોજવા સાથે રેલી યોજવામાં આવી હતી. હજારો સમર્થકો સાથે સંસ્થાના આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદન પણ આપી કેન્દ્ર સરકાર આ મામલે યોગ્ય ભૂમિકા ભજવે તેવી માંગ કરી હતી.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોનાં પડઘા દેશભરમાં પડ્યા છે. ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર રેલી પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.ત્યારે આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સભા કાર્યક્રમ કર્યા બાદ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થઇ રજૂઆત કરવામાં આવી હતી.