લોકભાષા-આણંદપર :
દેસલપર નલીયા હાઈવે અને નખત્રાણા તાલુકાના મંગવાણા ચોકડી પાસે નર્મદા પાણીની લાઈનમાં બે દિવસ થયા ભંગાણ પડતા વગર વરસાદે રોડપર પાણી વહી નીકળ્યા હતા અને જયાં રોડપર ખાડાઓ હતા ત્યાં પાણી ભરાતા રીતસર નાના તળાવો જોવા મળ્યા હતા.એક બાજુ સીસી રોડનું કામ ચાલી રહ્યું છે.જેના કારણે રોડ સિંગલ બની જવાથી તેમજ બીજી બાજુ આ નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા રોડ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ દેસલપર-નલીયા હાઈવે સતત ચોવીસ કલાક વાહનોની અવરજવરના કારણે ધમ ધમી રહ્યો છે.આ મંગવાણા ચોકડી પરથી ગઢશીશા, માંડવી, નલીયા, કોઠારા, નખત્રાણા, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક સ્થળો તેમજ દેસલપર, ભુજ, ગાંધીધામ સહિતના અનેક સ્થળોએ જઈ શકાય છે. આ મંગવાણા અને ગઢશીશા ચોકડી પાસે દર ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે વાહનચાલકોને નિકળવું મુશ્કેલી પડતી હતી એને લઈને હાલ ગઢશીશા ચોકડીથી લઈને નખત્રાણા-ભુજ જવા માટેની ચોકડી સુધી સીસી રોડ બની રહ્યો છે.
હાલ સી.સી.રોડનું કામ ચાલુ હોવાથી આ રોડ સિંગલપટી છે અને તેમાં નર્મદાની પાણી લાઇનમા બે દિવસ થયા ભંગાણ પડતા રોડપર પાણી ભરાયા હતા. તેમજ રોડપર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા નાના મોટા વાહનો ખાડાઓમાં ખાબકે છે. તેમાં દ્વિચક્રી નાના વાહનો ખાડામાં પડતા એની હાલત કફોડી બની જતી હોય છે. આમ તંત્રની બેદરકારીને લીધે નાના મોટા વાહનચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. આ રોડપરથી સાંધી સિમેન્ટ ભરીને મોટા ટ્રેલરોની અવરજવર ઘણી હોવાના કારણે હાલ આ બે પરિસ્થિતિના કારણે નાના વાહન ચાલકોને પ્રસાર થવું એટલે અભિમન્યુનો સાતમો કોઠો જીતવો બરાબર છે.


