લોકભાષા-ભુજ :
ભુજના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવી લેવાના ચકચારી કેસમાં ગાંધીધામના કિડાણાના દંપતિને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ મુખ્ય સુત્રધાર એવા કોંગ્રેસના નગરસેવક સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ત્રણની ધરપકડ કરી લેવાઇ હતી. જ્યારે પોલીસ પકડથી દુર નાસતા ફરતા આરોપી પતિ પત્નીની પકડાઇ જતાં પોલીસે વધુ તપા શરૂ કરી છે.
કેસની હકીકત મુજબ બનાવ ગત 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમ્યાન બન્યો હતો. ભુજના ખાટકી ફળીયામાં રહેતા મહેબુબ શબ્બીર ખાટકી નામના યુવક સાથે ઇન્સ્ટ્રાગ્રામ પર ગાંધીધામના કિડાણા ગામની શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમદ નોડે નામની યુવતીએ સાથે પરિચય કેળવી ભુજ આવી બન્ને જણા હિલગાર્ડન ફરવા માટે ગયા હતા, જયાંથી બહાર આવતી વખતે ધારાનગર કોડકી રોડમાં રહેતા અને કોંગ્રેસના નગરસેવક એવા અબ્દુલ હમીદ સમાએ બન્ને જણના ફોટા પાડી લીધા અને ભોગ બનનાર યુવકના જ કૌટુંબીક ભાઈ એવા આરોપી સરફરાઝ રઝાક ખાટકીએ ભેગા મળી યુવાનને બ્લેક મેઈલ કર્યો હતો. બાદમાં આદિપુર લઇ ગયા હતા. જ્યાં કિડાણા ગામના મહમદ ઉર્ફે મામદ નોડે મુસ્કાનનો પતિ ત્યાં આવી જઇને મામલો પતાવવા 19 લાખ રૂપિયા પડાવવા ફરિયાદી યુવકને ધમકાવતાં ભોગબનાર યુવાને પોતાની મિલકત અને બુલેટ ગીરવે મુકીને રૂપિયા આરોપીઓને આપ્યા હતા. ત્યાર બાદ ફરી આરોપીઓએ ફરિયાદી વિરૂધ્ધ ભુજ એ ડિવિઝનમાં અરજી કરી અને આ અરજીમાં સમાધાન કરવા પેટે પોલીસ તરીકેની ઓળખ આપીને રૂપિયા ત્રણ લાખ પડાવી લીધા હતા. ભુજ એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી ભુજ કોગ્રેસના નગર સેવક અબ્દુલ હમીદ સમા, પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર મુંદરાના કોગ્રેસના કાર્યકર હરીસિંહ ધનુભા જાડેજા, સરફરાજ રઝાક ખાટકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસની પકડથી દુર નાસતા ફરતા આરોપી શહેનાઝ ઉર્ફે મુસ્કાન મામદ નોડે અને તેના પતિ મહમદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડે રહે જગદંબા સોસાયટી કિડાણા હાલ વડોદરા તેમના સબંધીને ત્યાં રોકાયા હોવાની એલસીબીને બાતમી મળતાં એલસીબીની ટીમ દડોદરા પહોંચીને આરોપી દંપતિને ઝડપી પાડ્યા હતા. આગળની કાર્યવાહી માટે બન્ને આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.
હનીટ્રેપમાં હાથો બન્યા હોવાની દંપતિએ પોલીસને આપી કબુલાત
હનીટ્રેપમાં પકડાયેલા મુસ્કાન અને તેના પતિ મામદ નોડેની પુછતાછમાં તેઓએ પોલીસને જણાવ્યું હતું. કે, આ સમગ્ર કેસમાં તેઓ બન્ને જણા હાથો બન્યા છે. 22 લાખની રકમમાંથી માત્ર તેમને ત્રણ લાખ જ મળ્યા છે. એલસીબી પીઆઇએ જણાવ્યું હતું. હાલ આ બન્ને જણાની પુછપરછ ચાલુ છે. બન્નેનો કોઇ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી પરંતુ હનીટ્રેપમાં દંપતિની કેટલી ભૂમિકા છે. તે અંગે વધુ પુછપરછ ચાલુમાં છે.


