લોકભાષા-ભુજ :
તાલુકાની યાત્રાધામ હાજીપીર તરફના માર્ગે બિસ્માર રસ્તા અને પવનચક્કીના મહાકાય વાહનોના કારણે ટ્રાફિકજામની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. ગઈકાલે પવનચક્કીની પાંખ લઈ જતું ટ્રેલર રસ્તો ઉતરી જતા માર્ગ સિંગલપટ્ટી બની ગયો હતો, બાદમાં આ વાહન પલટી જતા તમામ વાહનનોને ધીમી ગતિ સાથે અહીંથી પસાર થાઉં પડ્યું હતું. આજે પલટી ગયેલા વાહનને સીધુ કરવા માટે બે ક્રેન મશીન કામે લગાડવામાં આવતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થઈ જવાથી સવારના 11 વાગ્યાથી એસટી બસ સહિત પ્રવસીઓની 10 જેટલી બસો અને માલવાહક વાહનો અટવાઈ પડ્યા છે. ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.
હાજીપીર માર્ગે ફરી આજે ટ્રાફિકજામ સર્જાયો છે. ગઈકાલે રસ્તો ઉતરેલા મહાકાય ટ્રેલર બાદમાં માર્ગ ઉપર ચડાવતા સમયે પલટી ગયું હતું જેના કારણે વાહન વ્યવહાર આંશિક પણે ખોરવાયો હતો પરંતુ આજે આ વાહનને સીધા કરવા આવેલા ક્રેન મશીનોના કારણે હાજીપીર માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાલ ઢોરોથી લુડબાય સુધી વાહનોની 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે.
આ પહેલા ખાવડા તરફ પવનચક્કીના તોતિંગ ભાગ લઈ જતા મહાકાય વાહનો વાયા ભુજ માર્ગે ચાલતા પરંતુ રુદ્રાણી બ્રિજના સમારકામને લઈ આ વાહનો હાજીપીર માર્ગ પરથી ચાલી રહ્યા છે, જ્યારે હવે તો રુન્દ્રાણી બ્રિજનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. માટે પવનચક્કીઓનું પરિવહન કરતા વાહનો ફરી વાયા ભુજ માર્ગે ચાલે તે જરૂરી છે.

