લોકભાષા-ભુજ :
ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા સરકારી બહુમાળી ભવનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
એક સાથે વિવિધ સરકારી વિભાગની કચેરી ધરવતા બહુમાળી ભવનના બીજા માળે આવેલી જીસવાન કચેરીના સર્વર રૂમમાં આગ ફાટી નીકળી હતી. સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂમ નંબર 303 અને 304 આગની લપેટમાં આવી ગયા હતા. આગ લાગવાથી કચેરી અંદર પડેલા ટેબલ ખુરશી સહિતના ફર્નિચર અને સરકારી રેકર્ડ બળીને ખાક થઈ ગયા હતા. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગની ટીમે અંદાજીત બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે જો આગ સમયસર કાબુમાં આવી ના હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ જવાની ભીતિ હતી.

